અંજારના હુમલા પ્રકરણે સામા પક્ષે પણ કરી પ્રતિ ફરિયાદ

ગાંધીધામ, તા. 17 : અંજારમાં થયેલી બબાલના બનાવમાં જીવલેણ હુમલાની પ્રતિ ફરિયાદ નોંધાઈ હતી. એક આધેડ ઉપર 9 જેટલા શખ્સે છરી સહિતના પ્રાણઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. અંજારના રાજા કાપડી દાદા નગરમાં રહેતા હરિનાથ રામનાથ નાથબાવા (ઉ.વ.56)એ અંકુર મારાજ, શૈલેશ મારાજ, સાગર મારાજ, ગોપાલ આહીર અને પાંચ અજાણ્યા શખ્સો  વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ આધેડની ઓકટ્રોય ચોકી પાસે શિવશક્તિ મસાલા કોન નામની લારી છે જે તેમના પુત્ર ધનસુખ અને જગદીશ સંભાળે છે. ગત તા. 15-9ના બપોરે અંકુર મારાજ નામનો શખ્સ આ લારીએ આવીને મસાલા કોન ખાધા બાદ પૈસા આપ્યા વિના બોલાચાલી કરી  જતો રહ્યો હતો. આ બનાવ અંગે જગદીશે ફરિયાદ પણ કરી હતી. ત્યારબાદ આધેડ ફરિયાદી પોતાની લારીએ આવ્યા હતા ત્યારે આ તમામ 9 આરોપીઓ છરી સહિતના હથિયારો લઈને આવ્યા હતા. આ શખ્સોએ પ્રથમ લારી ઉપર હુમલો કર્યો હતો અને બાદમાં ઉશ્કેરાઈને આધેડ એવા હરિનાથ નાથ બાવા ઉપર હુમલો કર્યો હતો. જીવલેણ હુમલાના આ બનાવમાં આધેડને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં સારવાર અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમને પેટમાં વચ્ચે, ડાબી બાજુ, જમણા હાથમાં, પગમાં ટાંકા આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer