ભુજમાં રૂા. 35 કરોડના ખર્ચે 55 કિ.મી. ભૂગર્ભ ગટરલાઈનો નખાશે

ભુજ, તા. 17 : કેન્દ્રીય પુરસ્કૃત અમૃત યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ભુજની ભૂગર્ભ ગટર યોજનાના અપગ્રેડેશન માટે રૂા. 35 કરોડ મંજૂર થયા છે. જેનાથી ભુજમાં 55 કિ.મી. ભૂગર્ભ ગટરલાઇનોનાં કામનું અમલીકરણ ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા કરાશે. સાંસદ વિનોદભાઇ ચાવડાની અધ્યક્ષતામાં અને કલેકટર પ્રવીણા ડી.કે.ની આગેવાનીમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં જિલ્લાની નગરપાલિકાઓના ચીફ ઓફિસરની સમીક્ષા બેઠકમાં આ અંગે જણાવાયું હતું. ભુજનો હરિપુરાનો વિસ્તાર તેમજ પ્રમુખસ્વામીનગર, મુંદરા રિલોકેશનવાળા વિસ્તારો માટે, પ્રિન્સ રેસિડેન્સી હોટલથી સેવન સ્કાય થઇ એરપોર્ટ સુધીની નવીન ભૂગર્ભ ગટરલાઇનનું આયોજન થયું છે એમ સાંસદ શ્રી ચાવડાએ જણાવ્યું હતું. ઉપરાંત નગરપાલિકાથી સ્ટેશન રોડ થઇ ભીડનાકા સુધીની ગટરલાઇનના કામનું આયોજન થયું છે. નજીકના સમયમાં આ કામનો આરંભ કરાશે તેવું ચીફ ઓફિસર શ્રી બોડાતે જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer