કચ્છમાં ત્રણ જણનાં અકાળે મોત

ગાંધીધામ, તા. 17 : જિલ્લામાં માર્ગ અકસ્માત અને અકસ્માત મોતના ત્રણ બનાવમાં આધેડ, યુવાન અને કિશોરની જિંદગી ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. ભચાઉ નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર કાર હડફેટે રાહદારી  બાળક અફજલ સિદિક કુંભાર (ઉ.વ. 12)નું તત્કાળ મોત નિપજ્યું હતું. જ્યારે અંજાર  તાલુકાના ખંભરા ગામમાં અનિરુદ્ધસિંહ રમુભા ચૌહાણ માટે વીજશોક જીવલેણ સાબિત થયો હતો.જ્યારે ભુજમાં 62 વર્ષીય વૃદ્ધ અબુભખર  અલીમામદ હાલેપોત્રાએ ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ભચાઉ બટિયા વિસ્તાર નજીક મીંદિયાવણના કારખાના પાસે માર્ગ અકસ્માતનો બનાવ આજે બપોરના અરસામાં  બન્યો હતો. હતભાગી  બાળક રસ્તો પસાર કરતો હતો. આ અરસામાં ગાંધીધામથી ભચાઉ તરફ આવતી જી.જે. 12. ડી.એ. 9632 નંબરની કારના ચાલકે હતભાગી બાળકને હડફેટે લીધો હતો. બાળકને માથા સહિતના ભાગમાં ગંભીર પ્રકારની ઈજાઓ પહેંચતાં સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નિપજ્યું હતું. પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. અંજાર તાલુકાના ખંભરા ગામના બનાવ અંગે મળતી વિગતો મુજબ હતભાગી યુવાન બપોરે 12.15 વાગ્યાના અરસામાં  બાથરૂમમાં ન્હાવા ગયો હતો. આ દરમ્યાન અકસ્માતે વીજશોક લાગ્યો હતો. ગંભીર પ્રકારની ઈજાઓ  પહોંચતા તેનું તત્કાળ મોત નિપજ્યું હતું. અંજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભુજ શહેરના રાજગોર ફળિયામાં વાઘેશ્વરી રોડ ખાતે રહેતા આધેડે ગત મંગળવારે રાત્રિના અરસામાં આડી સાથે વાયર બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. તેમણે કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે બાબત બહાર આવી નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer