હમીરપર સામૂહિક હત્યાના કેસમાં આરોપીના જામીન નામંજૂર કરાયા

ભુજ, તા. 17 : રાપર તાલુકાના હમીરપર ગામે ગત મે મહિનામાં એક સાથે પાંચ વ્યક્તિની હત્યા થવાના ભારે ચર્ચાસ્પદ મામલામાં ભચાઉ સ્થિત જિલ્લા અદાલતે આરોપીઓ પૈકીના સિદ્ધરાજસિંહ ભગુભા વાઘેલાની જામીન અરજી નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો. પાંચ વ્યક્તિની હત્યા અને ત્રણ વ્યક્તિઓને ઈજા થવાવાળા આ કેસની આડેસર પોલીસ મથકે કુલ 22 આરોપી સામે ફરિયાદ દાખલ કરાઈ હતી. કેસનો આરોપનામું કેસ કરાયા બાદ આરોપીઓ પૈકીના હમીરપરના સિદ્ધરાજસિંહ વાઘેલા માટે વિવિધ કારણો આગળ ધરી નિયમિત જામીન અરજી ભચાઉ ખાતેની અધિક જિલ્લા અદાલતમાં મુકાઈ હતી. સુનાવણી દરમ્યાન ગુનાની ગંભીરતા આયોજનપૂર્વકનું કૃત્ય તથા દસ્તાવેજોનો અભ્યાસ વગેરે મુદ્દા કેન્દ્રમાં રાખીને અધિક સેશન્જ જજે જામીન અરજી ફગાવી દેતો ચુકાદો આપ્યો હતો.આ સુનાવણીમાં સરકાર વતી આ કેસ માટે નિયુક્ત ખાસ સરકારી વકીલ ભુજના વરિષ્ઠ ધારાશાત્રી બી.એમ. ધોળકિયા તથા મૂળ ફરિયાદ પક્ષે વરિષ્ઠ ધારાશાત્રી ડી. વી. ગઢવી સાથે વાય. વી. વોરા, એ. એમ. મહેતા અને એચ. કે. ગઢવી તથા શ્રી ધોળકિયા સાથે દેવેન્દ્રસિંહ એમ. જાડેજા મદદમાં રહ્યા હતા.બીજી બાજુ ભુજ તાલુકામાં માનકૂવા પોલીસ મથકની હદના દહીંસરાથી કેરા તરફ જતા રોડ ઉપર 4 લાખ રૂપિયાનો શરાબ ઝડપાવાના કેસમાં મુખ્ય આરોપી એવા નામીચા દારૂના ધંધાર્થી કેરાના અનોપસિંહ અભેસિંહ રાઠોડની જામીન અરજી જિલ્લા ન્યાયાધીશ આઈ. ડી. પટેલે નામંજૂર કરીને કાયદાના કડક રૂખનો પરિચય આપ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેસમાં માનકૂવા પોલીસના પાંચ કર્મચારી ફરજમોકૂફ થયા હતા. જામીનની સુનાવણીમાં સરકાર વતી ખાસ નિયુક્ત સરકારી વકીલ મનોજ એમ. પટેલ રહ્યા હતા. - સ્પષ્ટતા તા. 16/9ના અંકમાં ખૂન કેસનો ભાગેડુ ઝડપાવવાના પ્રગટ થયેલા અહેવાલમાં સરતચૂકથી તસવીર દારૂના કેસમાં વાયોર પોલીસે પકડેલા આરોપી સવુભા સતુભા સોઢાની પ્રકાશિત થઈ હતી. તેઓ દારૂના કેસના આરોપી માત્ર હોવાની સ્પષ્ટતા કરાઈ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer