ઉઘરાણી કઢાવવા ગાંધીધામની ભાગોળે ટ્રકચાલકોને ગોંધી રાખ્યા

ગાંધીધામ, તા. 17 : શહેરની એક કંપનીનો રૂા. 25,23,500નો બે ટ્રક ભરેલો ભંગાર લઈ વાહન ચાલકોને  ગોંધી રાખતાં ટ્રાન્સપોર્ટ  કંપનીના ત્રણ  શખ્સો  વિરુદ્ધ પોલીસ મથકે  ફરિયાદ નોંધાઈ હતી. મીઠીરોહરના યોગેશ મુંકુદભાઈ ચાવડાએ એચ.ટી.લોજિસ્ટિકના માલિક હર્બન શર્મા અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદી ગાંધીધામની ટેનરોન. લિ. નામની કંપનીમાં  મેનેજર તરીકે  કામ કરે છે. આ કંપનીમાંથી ટ્રક નંબર એચ.આર. 55 એમ 6452  તથા ટ્રક નં. એચ.આર. એમ 3769 વાળીમાં રૂા. 25,23,500 નો એલ્યુમિનિયમનો ભંગાર ભરી જિલ્લા બહાર જવાની  હતી. આ બન્ને  ટ્રક અંજારના વરસાણા ગામના ચાર રસ્તા (ચોકડી) પાસે  પહોંચતાં  હર્બન  શર્મા  તથા બે અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા. આ શખ્સો બન્ને ટ્રક તથા વાહનચાલકોને પોતાની સાથે લઈ ગયા હતા. ત્યાં વાહનચાલકોને ગોંધી રાખવામાં આવ્યા હતા અને  આ કંપની ટેનરોન પાસેથી નીકળતાં ટ્રાન્સપોર્ટના   બાકીના પૈસા નહીં મળે તો આ માલ અને  ચાલકોને નહીં મુકાય તેવી ધમકી આપી હતી. આરોપીએ જબરદસ્તીથી કંપની પાસેથી પૈસા કઢાવી લીધા  હતા. પૈસા  મળ્યા બાદ  માલ  અને ટ્રકને મુકત કરાયા હતા. આ ત્રણેય વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer