વરસાદનાં ભરાયેલાં પાણીથી કચ્છનું `પેરિસ'' બેહાલ

વરસાદનાં ભરાયેલાં પાણીથી કચ્છનું `પેરિસ'' બેહાલ
મુંદરા, તા. 15 : સતત વરસી રહેલા વરસાદના કારણે સોસાયટી વિસ્તારોમાં ભરાયેલાં પાણી સુકાવાનું નામ લેતાં નથી.ઔદ્યોગિકીકરણના પગલે મુંદરા અને બારોઇની અંદાજે 180 જેટલી નાની-મોટી સોસાયટીનો વિસ્તાર અસ્તિત્વમાં આવ્યો છે. ખેતીની જમીનને  રહેણાકના હેતુ માટે બિનખેતીના પ્લોટ પાડી  જે-તે સમયે વેચવામાં આવી. રસ્તા, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધા ગણીગાંઠી સોસાયટીમાં ડેવલોપર્સોએ ઊભી કરી, જ્યારે  મોટાભાગના ડેવલોપર્સ પ્લોટ વેચી મુંબઇ રવાના થઇ ગયા છે જેનું આ પરિણામ જોવા મળી  રહ્યું છે. આજથી 12 કે 15 વર્ષ પહેલાં ખરીદાયેલા પ્લોટો પૈકી કેટલાક પ્લોટો ઉપર બાંધકામ ન થયું અને આવા ખાનગી માલિકીના પ્લોટ અને જાહેર હેતુ માટે છોડી દેવામાં આવેલા પ્લોટોની કમ્પાઉન્ડ વોલ દીવાલ છે નહીં અને આ જ વિસ્તાર વરસાદી પાણીના જમાવડા માટે  મુખ્ય ભાગ ભજવે છે. ઉપરાંત જ્યાં સીસી રોડ બન્યા છે તેની બંને બાજુ નીચાણ છે. પરિણામે વરસાદી પાણીનો નિકાલ થતો નથી. વરસાદી પાણી દિવસો સુધી જ્યાં ને ત્યાં ભરાયેલું પડયું રહે છે અને સમય જતાં તે કોહવાય છે અને મચ્છરોનું આશ્રય સ્થાન બને છે.`કચ્છમિત્ર'ની ટીમે મુંદરા અને બારોઇના સોસાયટી વિસ્તારની મુલાકાત લીધી ત્યારે  ત્યાંના રહેવાસીઓને થતી રોજબરોજની હાલાકીનો અંદાજ આવ્યો હતો. ઠેર ઠેર પાણી ભર્યાં પડયાં છે. આવવા-જવાના કાચા રસ્તામાં  પાણી અને કીચડથી લોકો ત્રાસી ગયા છે. સમસ્યા વિકરાળ છે અને તેનો ઉકેલ પણ આસાન નથી. સોસાયટના રહીશો હાથવગાં સાધનોથી પાણી ઉલેચવાનો પ્રયાસ કરે છે, પણ ફરી વરસાદ આવવાથી હતા ત્યાંના ત્યાં જેવી હાલત સર્જાય છે. બારોઇના પૂર્વ ઉપસરપંચ ભોજરાજભાઇ ગઢવીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, જ્યાં રહેણાક વિસ્તાર છે એવી 53થી 55 અને બધી મળીને 90થી 100 જેટલી સોસાયટી બારોઇની હદમાં આવે છે. થોડા સમય પહેલાં વરસતાં વરસાદની વચ્ચે જેસીબી સહિતનાં સાધનોને લઇને સોસાયટી વિસ્તારમાંથી પાણી ઉલેચવાની કામગીરી કરાઇ હતી. તેમણે જણાવ્યું કે, ખુલ્લા પ્લોટોમાં વરસાદી પાણી જમા થાય છે. આજુબાજુ મકાન બની ગયા અને વચ્ચેનો વિસ્તાર ખાલી રહી ગયો અને પાણીના નિકાલ માટે જરૂર પડે રસ્તો કે બાંધાતોડીએ છીએ અને વરસાદી પાણીના નિકાસની વ્યવસ્થા કરીએ છીએ. જ્યારે મુંદરાના પૂર્વ સરપંચ ધર્મેન્દ્ર જેશરને પૂછતાં તેમણે જણાવ્યું કે, મુંદરાની હદમાં 70થી 80 સોસાયટી આવેલી છે. ખાનગી માલિકીના પ્લોટને બાઉન્ડ્રી નથી અને પાણીના વહેણ રોકાઇ જાય છે. ડ્રેનેજ સિસ્ટમના પાછળ નાખવા જે-તે વિસ્તારના લોકો કામ અટકાવે છે. સમગ્ર સોસાયટી વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ઢગ ખડકાઇ ગયા છે. કોહવાટના કારણે દુર્ગંધ પણ ફેલાય છે. ગાંડા બાવળની ઝાડીએ સોસાયટી વિસ્તારની હાલત ખરાબ કરી નાખી છે. જ્યાં ત્યાં ગાંડા બાવળમાં જાનવરો ફસાય છે અને મૃત જાનવરોની બદબૂ ચારેબાજુ ફેલાયછે. નાગતરાવડીનો સમગ્ર વિસ્તાર વરસાદી પાણી સાથે ખુલ્લી છોડી દેવાયેલી ગટરની લાઇનના કારણે બદથી બદતર બની ગયો છે. વરસાદના ભરાયેલા ખાબોચિયા અને નાના તળાવોમાં મચ્છરો સહિતના જીવજંતુઓ વધતા જાય છે. મુંદરાની વર્ધમાનનગર-1 અને 2, વેરાઇકૃપા, મહાવીરનગર જ્યારે બારોઇની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની આગળ-પાછળની સોસાયટીઓ કૈલાસપાર્ક, અરિહંતપાર્ક, સહજાનંદનગર, મિમ્સ હોસ્પિટલ, જનનગર અને વત્સલપાર્ક સહિતની સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા થાય એવું ત્યાંના નાગરિકો ઇચ્છી રહ્યા છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer