પિસ્તાની 1.44 કરોડની લૂંટના ચકચારી પ્રકરણમાં પાંચ પોલીસકર્મીની સંડોવણી

પિસ્તાની 1.44 કરોડની લૂંટના ચકચારી પ્રકરણમાં પાંચ પોલીસકર્મીની સંડોવણી
ગાંધીધામ, તા. 15 : અંજાર તાલુકાના મેઘપર બોરીચી નજીક હ્યુંડાઈના શો-રૂમ પાસે ટ્રકચાલકને બંધક બનાવી તેની પાસેથી રૂા. 1,44,37,336ના પિસ્તા લૂંટ ચલાવવાના પ્રકરણમાં રૂા. 1,33,57,550નો મુદ્દામાલ રિકવર કરાયો હતો. આ પ્રકરણમાં પકડાયેલા મુખ્ય આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.તેમજ આ કાંડમાં અંજાર સ્થાનિક પોલીસના પાંચ કર્મીઓની પણ ભૂમિકા હોવાનું બહાર આવ્યું હતું.  મેઘપર બોરીચી નજીક લાવકુશ નિશાધ નામના ટ્રકચાલકને બંધક બનાવી તેની ટ્રક ખેડોઈ નજીક ચાંપલ માના મંદિર પાસેની સીમમાં લઈ જવાઈ હતી, જ્યાંથી તેની ટ્રક ખાલી કરી અન્ય બે ટ્રકોમાં માલ નાખી અમદાવાદ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. બાદમાં કડી અને દહેગામમાં કોલ્ડ સ્ટોરેજમાં આ માલને સંતાડી દેવામાં આવ્યો હતો, તેવું પત્રકાર પરિષદને સંબોધતા અંજાર ડીવાય.એસ.  પી. ડી. એસ. વાઘેલાએ જણાવ્યું હતું. લૂંટના બનાવને નજરે જોનારી એક વ્યકિતએ પોલીસને જાણ કરી હતી. જેના આધારે ખેડોઈના એક કિશોરની અટક કરવામાં આવી હતી. કાયદાના સંઘર્ષમાં આવેલા આ કિશોરની પૂછપરછ કરાતાં પોતાના સહિત નવ આરોપી લૂંટના આ બનાવમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું. દરમ્યાન લૂંટના મુખ્ય ભેજાબાજ એવા મુંદરા શિવટાઉનશિપમાં રહેતા રિકીરાજસિંહ લગધીરસિંહ સિંધલ (સોઢા)ની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સ અદાણી પોર્ટ ઉપર કાર્યરત કંપની ઇન્નોવસોર્સ સર્વીસ પ્રા.લિ.માં કોન્ટ્રાકટ પર કામ કરે છે. બંદર ઉપર આયાત-નિકાસ થતો માલ તથા તેમાંથી રદ થતા માલની ઓનલાઈન હરાજીની કામગીરીમાં પણ આ શખ્સ ફરજ બજાવતો હતો તેમ પોલીસે કહ્યું હતું. લૂંટના ત્રણેક દિવસ અગાઉ આ શખ્સે પોતાના સાગરીત એવા ખેડોઈના હરદીપસિંહ શક્તિસિંહ જાડેજાનો રૂબરૂ તથા ફોનથી સંપર્ક કર્યો હતો અને કોઈ મૂલ્યવાન માલ આવે તો લૂંટ કરવાનું નક્કી કરાયું હતું. તેવામાં હરદીપસિંહે પોતાના નજીકના માણસો તૈયાર કર્યા હતા. બનાવના દિવસે પાંચ વાગ્યે ટ્રકચાલક લાવકુશ પીસ લઈને નીકળવાનો હતો તે દિવસે બપોરે ત્રણ વાગ્યે રિકીરાજસિંહે હરદીપસિંહને તૈયાર રહેવા કહ્યું હતું. તેઓએ લૂંટની તૈયારી કરી રાખી હતી. રિકીરાજ ટ્રકની પાછળ-પાછળ આવતો હતો અને રેકી કરતો હતો. દરમ્યાન ટ્રક મેઘપર-બોરીચી પાસે પહોંચતાં કારથી આવેલા લૂંટારુઓએ બનાવને અંજામ આપ્યો હતો. આ નવ આરોપીઓ પૈકી યુવરાજસિંહ જાડેજા (રહે. ખેડોઈ) નામનો શખ્સ ટ્રક ચલાવી ખેડોઈ ચાંપલ માના મંદિર પાસેની સીમમાં લઈ ગયો હતો, ત્યાં અગાઉથી એક ટ્રક ઊભી રખાઈ હતી. ફરિયાદીના વાહનમાંથી પિસ્તાની બેગો કાઢી એક ટ્રક ભરી દેવામાં આવી હતી. આ ટ્રક રાત્રે 12:30ના અરસામાં રવાના કરાઈ હતી. ફરિયાદીની ટ્રક પણ લઈ જવાઈ હતી અને મીઠીરોહર નજીક તેને બિનવારસુ મૂકી દેવામાં આવી હતી. બાકીનો બચેલો માલ ખેડોઈની સીમમાં પડયો હતો. તેને ભરવા માટે બીજી ટ્રક મગાવવામાં આવી હતી. આ ટ્રક આવે તે પહેલાં અંજાર સ્થાનિક પોલીસના હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ  એવા જયુભા જાડેજા, વનરાજસિંહ દેવલ, અનિલ ચૌધરી અને દિલીપ ચૌધરી ત્યાં આવી પહોંચ્યા હતા. આ લોકો પૂછપરછ કરતા હતા તેવામાં અંજાર પોલીસ મથકમાં જ ફરજ બજાવતા વિશ્વજિતસિંહ જાડેજા ત્યાં આવી પહોંચ્યો હતો. પછી વાટાઘાટો કે સેટિંગ કરીને કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી અને બીજી ટ્રક આવ્યા બાદ તેમાં માલ ભરી તેને પણ અમદાવાદ જવા દેવામાં આવ્યો હતો. બાદમાં પોલીસ મથકે ફરિયાદ થતાં એલ.સી.બી., એસ.ઓ.જી. અને સ્થાનિક પોલીસે પૂર્વ બાતમી તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર તથા મુખ્ય ભેજાબાજ રિકીરાજસિંહને પકડી પાડયા હતા. આ મુખ્ય આરોપીના 10?દિવસના રિમાન્ડની માંગ સામે સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. અન્ય આઠ જેટલા આરોપીઓને પકડી પાડવા પોલીસે દોડધામ આદરી છે. તો પાંચ પોલીસકર્મીઓ પણ પોતાના ફોન બંધ કરીને ભૂગર્ભમાં ઊતરી ગયા હોવાનું જણાવાયું હતું. લૂંટના આ બનાવમાં હજુ રૂા. 1,33,57,550નો મુદ્દામાલ તથા કાર નંબર જીજે-12-ડીએસ- 2150વાળી કબ્જે લેવામાં આવી છે. અન્ય મુદ્દામાલ હજુ પોલીસના હાથમાં આવ્યો નથી.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer