ભુજનો નામીચો ધંધાર્થી એવો પોલીસ પુત્ર 90 હજારના શરાબ સાથે ઝડપાયો

ભુજનો નામીચો ધંધાર્થી એવો પોલીસ પુત્ર 90 હજારના શરાબ સાથે ઝડપાયો
ભુજ, તા. 15 : તાલુકામાં વર્ધમાનનગરથી ભુજોડી તરફ જતા માર્ગ ઉપર બાતમીના આધારે પોલીસદળે જિલ્લા કક્ષાએથી દરોડો પાડીને કારમાં લઇ જવાતા રૂા. 90 હજારની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી પ્રકારના શરાબ સાથે દારૂના કુખ્યાત ધંધાર્થી એવા ભુજના ભગીરથાસિંહ ઉર્ફે કુલદીપસિંહ લખપતાસિંહ ઝાલા નામના પોલીસપુત્રને પકડી પાડયો હતો. આરોપીનો સાગરિત એવો અંજારનો જાફરશા કાસમશા શેખ આ કાર્યવાહી સમયે હાથમાં આવ્યો ન હતો. વર્ધમાનનગરથી માધાપર તરફ જતા રોડ ઉપર વૈભવી પ્રોવિઝન સ્ટોરવાળી ગલી સામેના રોડ ઉપર પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ આ દરોડો પાડયો હતો. જેમાં મારુતિ એસ.એક્સ.-4 કારમાં શરાબની 240 બાટલી લઇને જતા ભગીરથાસિંહ ઉર્ફે કુલદીપાસિંહ ઝાલાને ઝડપી પડાયો હતો. આરોપી પાસેથી રૂા. 90 હજારની કિંમતનો શરાબનો જથ્થો ઉપરાંત એક મોબાઇલ ફોન અને રૂા. એક લાખની કાર મળી કુલ રૂા. 1.95 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. ભુજની જૂની રાવલવાડી વિસ્તારમાં રહેતા દારૂના ક્ષેત્રનો નામીચો ધંધાર્થી એવો લાઇનબોય ભગીરથાસિંહ ઉર્ફે કુલદીપાસિંહ અગાઉ પણ દારૂના કેસમાં અનેક વખત પકડાઇ ચૂકયો છે. પોલીસે તેની પૂછતાછ જારી રાખી છે. સાથેસાથે દરોડા સમયે હાથમાં ન આવેલા સહઆરોપી અંજારના એકતાનગર ખાતેના શેખ ફળિયામાં રહેતા જાફરશા શેખને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કરાયાં છે. આ ઇસમની ભૂમિકા સપ્લાયર તરીકેની હોવાનું બહાર આવ્યું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer