માતાનામઢમાં નવરાત્રિનો રંગ ફીકો રહેશે

માતાનામઢમાં નવરાત્રિનો રંગ ફીકો રહેશે
વિશ્વનાથ જોશી દ્વારા-  દયાપર (તા. લખપત), તા. 15 : કચ્છના સુપ્રસિદ્ધ તીર્થધામ માતાનામઢમાં જ્યાં દેશદેવી આશાપુરા માના બેસણાં છે અને દર વરસે આશ્વિન નવરાત્રિમાં આઠથી નવ લાખ ભાવિકો અહીં દર્શનાર્થે આવે છે. લાખો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને અહીં પહોંચે છે. માતાજીને શીશ ઝુકાવે છે. પરંતુ હાલમાં કોરોના મહામારીનું સંક્રમણ ધીરેધીરે વધતું જાય છે ત્યારે માતાનામઢમાં નહીંવત ભાવિકોની હાજરી વચ્ચે જાણે બધું સૂમસામ લાગી રહ્યું છે. શ્રાદ્ધના છેલ્લા ત્રણ દિવસમાં જ અહીં દોઢથી બે લાખ જેટલા શ્રદ્ધાળુઓ દર્શન કરી જાય અને પોતાના ગામમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણીમાં જોડાઇ?જાય. પરંતુ હાલની પરિસ્થિતિએ તમામ આયોજનો રંગહીન કરી દીધાં છે. એટલું જ નહીં પણ દર વરસે પાંચથી દશ લાખની આવક મેળવનાર માતાનામઢ ગ્રામ પંચાયત તેમજ મેળા દરમ્યાન 50 લાખનો વેપાર કરનાર વેપારીઓ પણ નર્વસ થઇ ગયા છે અને આ કોરોના જાય તો જાન છૂટે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. હાલમાં નવરાત્રિ પહેલાં અધિકમાસ આવવાનો છે. અધિકમાસના છેલ્લા ત્રણ દિવસે દર્શનાર્થીઓની ભીડ થાય પણ ખરી પરંતુ એક મહિનો બાકી છે ત્યારની પરિસ્થિતિ શું હોય ?તેની કલ્પના હજુ કરી શકાય નહીં. સરકારી ગાઇડલાઇન પ્રમાણે હાલમાં તો જાગીર શાખાએ ભોજન પ્રસાદ (રસોડું)?બંધ?જ કર્યું છે. અધિકમાસ પછીની સ્થિતિ શું થાય તેના પર બધાની મીટ છે. માતાનામઢ જાગીરના ટ્રસ્ટી પ્રવીણસિંહ વાઢેરનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, દર વરસે નવરાત્રિના પર્વમાં ભોજન પ્રસાદ રસોડાના દાતા કનૈયાલાલભાઇ કટારિયા અને તેમની ટીમએ રસોડું ચાલુ નહીં કરે તેવી જાહેરાત કરી દીધી છે. આ પરિસ્થિતિમાં પદયાત્રીઓ માટેના સેવા કેમ્પને પણ મંજૂરી મળવી અશક્ય છે. હાલમાં વહીવટી તંત્ર દ્વારા આશ્વિન નવરાત્રિ અગાઉ મહિનો દિવસ પહેલાં મિટિંગોનો દોર શરૂ?થતો હોય તે પણ કોઇ ચર્ચા નથી. મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું છે છતાંય નવરાત્રિ દરમ્યાન બુંદી-ગાંઠિયા અને પાણીની નાની બોટલ ભાવિકોને પ્રસાદરૂપે અપાય તેવી કદાચ વ્યવસ્થા કરાય, પણ?ભોજન પ્રસાદ (રસોડું) તો બંધ?રહેશે. સરકારની વખતો વખત ગાઇડલાઇન પ્રમાણે નિર્ણય લેવાશે. તા. 16/10ના રાત્રે 9.30 કલાકે ઘટસ્થાપન થશે અને નવરાત્રિ પ્રારંભ તા. 17/10થી થશે. તા. 23/10ના રાત્રે હવન અને 24/10ના પતરી વિધિ થશે. માતાનામઢ ગ્રામ પંચાયતના સરપંચનો કચ્છમિત્ર ટીમએ સંપર્ક કરતાં સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, માતાનામઢ ગ્રામ પંચાયતને સ્ટોલ ભાડાની મેળા દરમ્યાન પાંચથી દશ લાખની આવક થાય છે. અગાઉ પાંચ લાખની આવક થતી હતી. પરંતુ છેલ્લા બે વર્ષમાં 10 લાખની રેકર્ડબ્રેક આવક ગ્રા.પં.ને થઇ?રહી છે. આશ્વિન નવરાત્રિમાં કોરોના મહામારીના કારણે ગ્રા.પં.ને 10 લાખની આવક ગુમાવવી પડશે. પંચાયતની મુખ્ય આવક જ આ છે અને તેના દ્વારા વહીવટ ચાલે છે. માતાનામઢ બસ સ્ટેશન માટેની જગ્યાનો વિવાદ અને ગટરના વહેતા પાણી પ્રશ્ને પૂછતાં સુરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જ્યાં બસ સ્ટેશન બનવાનું હતું તે જગ્યામાં રસ્તાઓ તેમજ અન્ય અડચણ હતી, જમીન પણ ઓછી હતી તેથી આ જગ્યા રદ કરી પંચાયત દ્વારા કોટડા ફાટક પાસે દોઢથી બે એકર જમીન એસ.ટી. વિભાગને ફાળવાઇ?છે. ગટરના પાણી બાબતે જણાવ્યું હતું કે, જ્યારે ગટર યોજના બની ત્યારે બિનઅધિકૃત જોડાણ?આપી દેવાયાં, હાલમાં ગટરની મેઇન લાઇનની મરંમત કરવી હોય તો 25 લાખ જેટલો ખર્ચ થવાનો સંભવ છે. આ બાબતે પોતાના દ્વારા જીએમડીસી (સીએસઆર) તેમજ જિલ્લા પંચાયત, આયોજન અધિકારી, જિલ્લા કલેક્ટર તેમજ ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરાઇ છે. તાલુકા પંચાયતે પણ 15મા નાણાપંચ ગ્રાંટમાંથી 20 લાખનું કામ માતાનામઢ?ગટરકામ અર્થે દરખાસ્ત કરી છે. જિલ્લા વિકાસ અધિકારીને પણ આ બાબતે પોતાના દ્વારા રજૂઆત કરાઇ?છે. માતાનામઢ મોટું તીર્થધામ છે અને તેનો યોગ્ય વિકાસ થાય તે જરૂરી છે અને તેના માટે ગ્રામ પંચાયતનો સતત પત્ર વ્યવહાર, રજૂઆત ચાલુ જ છે. કોરોના મહામારી વચ્ચે વેપારીઓની પણ આર્થિક સ્થિતિ કથળી રહી છે. માતાનામઢ વેપારી મંડળના પ્રમુખ અરવિંદભાઇ શાહનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, આશ્વિન નવરાત્રિ એટલે માતાનામઢ વેપારીઓના 12 મહિનાના રોટલા છે. એમાં બધું આવી જાય છે. કોરોના મહામારીના કારણે હાલમાં પાંચ દુકાનો તો બંધ થઇ?ગઇ?છે. વેપારીઓ 30થી 50 હજાર જેટલા દુકાનના ભાડા ચૂકવે છે પણ દુકાન માલિકોએ કોરોના મહામારીના કારણે ભાડામાં પણ?રાહત આપી છે અને ક્યાંય બળજબરી નથી. ધંધા પ્રમાણે ભાડાં આપે છે તો પણ માનવતાના ધોરણે દુકાન માલિકો ચલાવી લે છે. ગત રવિવારના ચારથી પાંચ હજાર જેટલા દર્શનાર્થીઓ દર્શન માટે આવ્યા હતા. મંદિર ખુલ્લું છે, તેથી દર્શનાર્થીઓ તો આવતા રહેશે. હજુ નવરાત્રિને એક મહિનાનો સમય છે ત્યાં સુધી શું પરિસ્થિતિ રહેશે તેના પર બધાની નજર છે. જ્યારે કડક લોકડાઉન હતું ત્યારે મંદિરની બહાર દરવાજા પાસેથી ઊભા રહી દર્શન કરી શ્રદ્ધાળુઓ ચાલ્યા જતા. હાલમાં છૂટક છૂટક દર્શનાર્થીઓ આવી રહ્યા છે છતાં ધંધાથી વધારે લોકોનું આરોગ્ય હિત જોવું જરૂરી છે. બીજીબાજુ એસ.ટી. સ્ટેન્ડ માટે કોટડા ફાટક પાસે જમીન મંજૂર કરાઇ છે તેના પર એસ.ટી. વિભાગ દ્વારા જલ્દી બાંધકામ ચાલુ કરાય તે જરૂરી છે અન્યથા અહીં પણ દબાણ થઇ જશે તો મુશ્કેલી થવાની છે. કારણ કે માતાનામઢના જમીનોના ભાવ આસમાને છે. સામાન્ય વાડા જેટલું દબાણ કર્યા પછી લોકો બબ્બે લાખમાં વેચી દેતા હોય છે, તેથી દબાણ થાય તે પહેલાં જલ્દી બસ સ્ટેશનનું કામ શરૂ કરાય તેવી શ્રદ્ધાળુઓની માંગ છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer