મિરજાપર હાઈવે પર વધુ 1500 ચો.મી. જમીનને કરાવાઈ દબાણમુક્ત

ભુજ, તા. 15 : સરકારી જમીન પરના દબાણો દૂર કરવાના વછૂટેલા આદેશ બાદ ભુજ-મિરજાપર હાઈવે પર આદરાયેલી દબાણ હટાવ ઝુંબેશમાં વધુ 1500 ચો.મી. જમીનને દબાણમુક્ત કરાવવામાં આવી હતી. મદદનીશ કલેક્ટર મનીષ ગુરવાણીએ આપેલી વિગતો અનુસાર સરકારી જમીન વાણિજ્યિક હેતુ માટે ઉપયોગમાં લેવાતી હોવાની ફરિયાદ બાદ આદરાયેલી દબાણ હટાવ ઝુંબેશમાં બે કરોડની જમીનને ખુલ્લી કરાવાઈ હતી. મિરજાપર હાઈવે પર આદરાયેલી આ ઝંબેશમાં ગેરેજ, દુકાન, હોટલ સહિતનાં દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. ગુરવાણીએ પાઠવેલી યાદીમાં એવું સ્પષ્ટ જણાવાયું છે કે, દબાણ અંગેની પ્રવૃત્તિઓ કોઈ પણ સંજોગમાં ચલાવી લેવાશે નહીં. જરૂર પડયે સરકારની હાલની લેન્ડ ગ્રેબિંગની નીતિ અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કામગીરીમાં મામલતદાર યુ. એ. સુમરા, સર્કલ ઓફિસર હરપાલસિંહ વાઘેલા ઉપરાંત પોલીસ, વીજ તંત્ર અને નગરપાલિકાનો સ્ટાફ જોડાયો હતો. ઉલ્લેખનીય છે કે, તંત્રે કડક વલણ અખત્યાર કરીને છેલ્લા એકાદ સપ્તાહમાં ભુજ વિસ્તારમાં મોટાપાયે ઝુંબેશ છેડી કરોડોની જમીનને દબાણમુક્ત કરાવી છે.