ભુજમાં ઘરનાં ફળિયામાં ધાણીપાસા વડે જુગાર રમી રહેલા સાત ખેલી સકંજામાં

ભુજ, તા. 15 : શહેરમાં ભીડનાકા બહારના ગીતા માર્કેટ વિસ્તારમાં અબ્બાસ મામદ પઢિયારના મકાનના ખુલ્લાં આંગણામાં ધાણીપાસા વડે જુગાર રમવાના આરોપસર સાત આરોપીને પોલીસે દરોડો પાડી પકડી પાડયા હતા. સ્થાનિક બી. ડિવિઝન પોલીસે પાડેલા આ ગુણવત્તાસભર દરોડામાં રૂા. 16,200ની રોકડ સહિત કુલ રૂા. 20,200ની માલમત્તા કબજે કરાઇ હતી. સત્તાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ આ કાર્યવાહી તળે ભુજના અબ્બાસ મામદ પઢિયાર ઉપરાંત રમજાન અલાના થેબા, કમલેશ ભુરાભાઇ જોગી, અભુભખર અલાના ભટ્ટી, અશરફખાન સલીમખાન પઠાણ, અરાવિંદ જખુ મહેશ્વરી અને રાજેશ હીરજી મહેશ્વરીને ધાણીપાસા વડે જુગાર રમવાના આરોપસર પકડી પાડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. આરોપીઓ પાસેથી રૂા. 16,200 રોકડા ઉપરાંત રૂા. ચાર હજારની કિંમતના ચાર મોબાઇલ ફોન મળી કુલ રૂા. 20,400ની માલમત્તા કબજે કરાઇ હતી. સહાયક ફોજદાર પંકજ કુશવાહને મળેલી બાતમી બાદ ઇન્સ્પેકટર એમ.બી. વસાવા સાથે સ્ટાફના સભ્યો આ દરોડાની કાર્યવાહીમાં જોડાયા હતા.