સ્થળની ક્ષમતાથી અડધા લોકોને કાર્યક્રમમાં જોડાવા છૂટ આપો

સ્થળની ક્ષમતાથી અડધા લોકોને કાર્યક્રમમાં જોડાવા છૂટ આપો
ભુજ, તા. 15 : અમારી પણ સાંભળો સરકાર.. અમો થયા બેરોજગાર... શહેરમાં ચાલીસેક સ્થળે આવાં બેનર લગાવી મંડપ, કેટારિંગ, સાઉન્ડ, લાઇટ, ફોટોગ્રાફર, સંગીતકારો સહિત તમામ વ્યવસાયિકોએ સરકારનું ધ્યાન દોરવા નવતર પ્રયોગ કર્યો છે અને આવાં બેનરો રાજ્યના તમામ જિલ્લાઓમાં લગાવી ઉજવણી કાર્યક્રમમાં માત્ર 50ને બદલે સ્થળની ક્ષમતા હોય તેનાથી અડધી સંખ્યાની છૂટ આપવા માંગણી કરી હતી. જો માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં સરકાર તેમજ રાજકીય પાર્ટીના તમામ કાર્યક્રમોમાં કામ ન રાખવા નક્કી કરાયું છે.  આ અંગે માહિતી આપતાં પશ્ચિમ કચ્છ મંડપ હાયરર્સ એન્ડ ઇલેક્ટ્રિકલ્સ એસો.ના પ્રમુખ રાજેન્દ્રાસિંહ જાડેજાએ જણાવ્યું કે, મંત્રી મનીષ શાહ સહિતના હોદ્દેદારોની મળેલી બેઠકમાં થયેલી ચર્ચા મુજબ ભારતમાં અલગ-અલગ ઇવેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા પાંચ કરોડ જેટલા લોકો છે જે લોકડાઉનથી બેરોજગાર બન્યા છે. અનેક બાબતોમાં સરકારે હવે છૂટછાટ આપી છે ત્યારે આવા વ્યવસાયીઓ માટે પણ વિચારે તેવી લાગણી વ્યકત કરાઇ હતી. મંડપ હાયરર્સ ઇલેક્ટ્રિકલ્સ એસો. ગુજરાત દ્વારા નક્કી થયા મુજબ રાજ્યના તમામ જિલ્લામાં બેનર લગાવી સરકારનું ધ્યાન દોરવા નિર્ણય લેવાયો હતો જે અંતર્ગત ભુજમાં 40 જ્યારે અન્ય શહેરોમાં પણ બેનરો લગાવાયાં હતાં.  આ ઉપરાંત આગામી દિવસોમાં કલેકટરને આવેદન આપી માગણી કરાશે અને તેમ છતાં જો સરકાર દ્વારા કોઇ યોગ્ય નિર્ણય નહીં કરાય તો તમામ સરકારી તથા રાજકીય વ્યકિતઓના કાર્યક્રમોના કામ નહીં લેવાય. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer