ભુજમાં તરુણ છાત્રનો આપઘાત, પિતાનો આરોપ; હત્યા છે

ભુજ, તા. 15 : શહેરમાં દશમા ધોરણમાં અભ્યાસ કરતા તરુણ વયના છાત્ર યશ દિનેશભાઇ ખન્ના (ઉ.વ.15)એ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી છે. બનાવ પછવાડે નિમિત્ત બનેલા કારણો હજુ સ્પષ્ટ થયા નથી, પણ માતા-પિતાના છૂટાછેડા થઇ જવા વચ્ચેની કૌટુંબિક પરિસ્થિતિ નિમિત્ત બન્યાની સંભાવના સાથે પોલીસે છાનબીન હાથ ધરી છે.બીજીબાજુ હતભાગી કિશોરના પિતાએ આ ઘટના આત્મહત્યા નહીં, પણ હત્યા હોવાના આરોપ સાથેની રજૂઆત કરતાં સમગ્ર પ્રકરણ અત્યંત ગંભીર બની  ચૂકયું છે. બહાર આવેલી વિગતો મુજબ શહેરમાં સંસ્કારનગર ખાતે યોગીરાજ પાર્કમાં પોતાની માતા સાથે મામા અને નાનાના ઘરે રહેતો યશ ખન્ના આજે મધ્યાહ્ને તેના આ ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મૃત લટકતો મળી આવ્યો હતો. તેણે સવારે સાડા દશ વાગ્યાથી બાર વાગ્યા દરમ્યાન આ પગલું ભરી લીધાનું સપાટીએ આવ્યું છે.પોલીસ સાધનોએ આ વિશે આપેલી જાણકારી મુજબ આત્મહત્યા પછવાડેનું ચોક્કસ કારણ હજુ બહાર આવી શકયું નથી. વર્ષ 2014માં યશના માતા-પિતાના છૂટાછેડા થઇ ગયેલા છે. આ પછી યશ તેની માતા સાથે મામા અને નાનાના ઘરે રહે છે. છૂટાછેડા બાદ દર ત્રણ મહિને પિતા તેના આ એકના એક સંતાનને મળી શકે તેવો આદેશ પણ જે-તે વખતે અદાલતે કરેલો છે. આ દરમ્યાન આજે આપઘાતની આ ઘટના બની છે. બીજીબાજુ શરબતની લારી ચલાવવાનો વ્યવસાય કરતા યશના પિતા દિનેશ રણજિત ખન્નાએ રૂબરૂમાં આવીને આરોપ સાથે એવી ફરિયાદ કરી હતી કે, યશના મૃત્યુની આ ઘટના આપઘાત નહીં પણ હત્યા છે. તેમણે આ બાબતે પોલીસને પણ જાણ કરી છે, પણ પોલીસ તેમની ફરિયાદ લેતી નથી. પોતાની ભૂતપૂર્વ પત્નીના મોબાઇલ ફોનની કોલ ડિટેઇલ ચકાસવામાં આવે તો ઘણી વિગતો બહાર આવે તેમ હોવાનું તેમણે ઉમેર્યું હતું.દરમ્યાન તરુણ વયના છાત્રના અપમૃત્યુના આ કિસ્સા થકી અરેરાટી વ્યાપી છે. હતભાગી યશ ભુજની સ્વામિનારાયણ શાળામાં દશમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer