કોરોનાના 19 નવા કેસ, વધુ એક દર્દીનું મોત

ભુજ, તા. 1પ : જિલ્લામાં કોરોના કેસમા ઉતાર-ચડાવના દોર વચ્ચે આ મહામારીએ પ્રસરાવેલા ફફડાટનો દોર યથાવત રહ્યો છે. જિલ્લામાં આજે 19 નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 1656 પર પહોંચ્યો છે તો સત્તાવાર રીતે વધુ એક દર્દી મોતને ભેટયો છે. આજે નોંધાયેલા 19 કેસમાં શહેરી વિસ્તારમાં 12 અને ગ્રામ્ય વિસ્તારમાં 7 કેસ નોંધાયા હતા. સર્વાધિક કેસ રાપર શહેર વિસ્તારમાં નોંધાવા પામ્યા હતા.આ તરફ ભુજ બી - ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ સહિતના પાંચ કર્મચારીઓ સંક્રમિત થતાં પોલીસ બેડામાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. કોરોના કેસ પ્રકાશમાં આવતાં આરોગ્ય વિભાગ દ્વારા આવશ્યક એવા તકેદારીનાં પગલાં ભરવામાં આવ્યાં હતાં.દરમિયાન તાજેતરમાં જેને કોવિડ હોસ્પિટલની મંજૂરી મળી એ ભુજની સેન્ટ્રલ હોસ્પિટલમાં પાંચ દિવસની સારવાર બાદ દર્દી સાજા થતાં તેને રજા અપાયાનું તબીબ ડો. દીપક આહીરે આપેલી વિગતમાં જણાવાયું હતું.આજે 16 દર્દીઓને હોસ્પિટલમાં રજા અપાતાં સાજા થયેલા દર્દીઓનો આંક 1261 પર પહોંચ્યો છે. તંત્રના ચોપડે મૃતાંક પંચાવન પર તો એકિટવ કેસની સંખ્યા 300 પર આવીને અટકી હોવાનું જિલ્લા તંત્રે પાઠવેલી યાદીમાં જણાવાયું હતું.આ તરફ આર..ટી.ઓ.માં વધુ એક કર્મી સંક્રમિત થતાં અહીં નોંધાયેલા કેસનો આંક 1પ પર પહોંચ્યો છે. આ સાથે હવે આર.ટી.ઓ. કચેરીની કામગીરીનો ભાર હવે આંગળીના વેઢે ગણાય તેટલા પ-6 કર્મચારીઓ પર આવી ગયો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer