ગાંધીધામમાં પાલિકા દ્વારા કરાતાં આડેધડ ખોદકામથી અનેક ફોનનાં ડબલાં મુંગાં

ગાંધીધામ, તા. 15 : આ પંચરંગી શહેરમાં વરસોથી જુદાં જુદાં તંત્રો વચ્ચે સંકલન ન હોવાની ફરિયાદ ઉઠતી રહી છે. તાલુકાની સંકલન સમિતિ છે પરંતુ શહેર સંકુલમાં જાણે પાલિકા જ સર્વોપરી હોય તેમ તેના દ્વારા થતાં ખોદકામને કારણે અનેક ટેલીફોનનાં ડબલાં મુંગાં બની જાય છે.ભારત સંચાર નિગમ અને પાલિકા વચ્ચે આ મામલે અગાઉ પણ અનેક વખત પરસ્પર આક્ષેપ થતા રહ્યા છે. નિયમ મુજબ પાલિકાએ ખોદકામ કરતાં પહેલાં ટેલીફોન નિગમને જાણ કરવાની હોય છે. જેથી ખોદકામ સમયે ફોન તંત્રના કર્મચારી હાજર રહે અને જો ક્યાંય ફોનનો કેબલ કપાય કે વચ્ચે આવે તો તેની દુરસ્તી તત્કાળ થઇ શકે.ભારત સંચાર નિગમના સૂત્રો પોતાને જાણ ન કરાતી હોવાનું કહે છે તો બીજીબાજુ પાલિકાના ઇજનેરી વિભાગના સૂત્રો અમે તો જાણ કરીએ જ છીએ એવો જવાબ આપે છે. આમાં સાચું કોણ તે જાણવા કોઇ તંત્ર મધ્યસ્થ બને તે જરૂરી છે પરંતુ કોઇને પડી ન હોય તેમ આવું ચાલતું જ રહે છે. આજે પણ પાલિકાએ ગટર તથા પાણીની લાઇનોના કામ માટે આડેધડ?ખોદકામ કરતાં અનેક લેન્ડલાઇન ફોન મુંગા થઇ ગયા હતા. બ્રોડબેન્ડ પણ આ કારણે ઠપ થતાં અનેક ધંધા-વેપાર ઉપર અવળી અસર પડી હતી. જિલ્લા કલેક્ટરે આવી બાબતની નોંધ લઇને બંને તંત્રોને તાકીદ કરવી જોઇએ તેવી માંગ પ્રબળ બની છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer