માધાપરમાં પરંપરાગત જળસ્રોતો પર બિનઅધિકૃત દબાણોનો રાફડો ફાટયો

ભુજ, તા. 15 : તાલુકાના માધાપર ગામે ભાડાની હદમાં પરંપરાગત જળસ્રોતો પર બિનઅધિકૃત દબાણોનો રાફડો ફાટયો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક માત્ર આ દબાણોને નજરઅંદાજ કરી રહ્યું હોવાના આક્ષેપ સાથે સામાજિક કાર્યકરે આ મુદ્દે કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે.રમેશ ગરવાએ કરેલી રજૂઆતમાં જણાવ્યા અનુસાર રાજકીય ઓથ ધરાવતા વ્યકિતએ સર્વે નં. 344માં ભુજિયા ડુંગરના વરસાદી વહેણને પૂરી નાખ્યું છે. નગરપાલિકાની પાણીની લાઇન પર પણ કોમર્શિયલ બાંધકામ કરી પાઇપલાઇનવાળી જમીન પર બિનઅધિકૃત પેરવી કરી લીધી છે. ભાડાની ટીપી સ્કીમમાં બિનખેતી પ્લોટ તરીકે દર્શાવાયેલી જમીન પરના વહેણને પણ બંધ કરી નાખવામાં આવ્યું છે. ગાંધી સર્કલ પાસે પણ બિનઅધિકૃત કોમર્શિયલ બાંધકામ કરાઇ રહ્યું છે. ત્યારે આ તમામ બાંધકામને  મંજૂરી આપવામાં આવી છે કે નહીં તે મુદ્દે સવાલો ઉઠાવી જો વેળાસર કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોર્ટમાં જવાની ચીમકી આ રજૂઆતમાં આપવામાં આવી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer