રાયધણપર અને ભુજના કેસમાં અપીલ રદ : જિલ્લા કોર્ટએ ચુકાદા કાયમ રાખ્યા

ભુજ, તા. 15 : તાલુકાના રાયધણપર ગામે દબાણમાં મકાન બનાવવાના મામલે ગામની ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી અપીલ જિલ્લા કોર્ટએ રદ કરીને નીચેની અદાલતે આપેલો ચુકાદો કાયમ રાખ્યો હતો. તો બીજીબાજુ ભુજ શહેરમાં દાદુપીર રોડ ખાતે આવેલી મિલકતના કેસ બાબતે કરાયેલી અપીલ પણ અધિક જિલ્લા અદાલતે રદ કરતો આદેશ કર્યો હતો.રાયધણપર ગામના કેસમાં ગામના મેણાબેન લાખા રબારીએ તેમનું મકાન પંચાયતની જમીન દબાવીને બનાવ્યું હોવાના મામલે વિવાદ સર્જાયો હતો. પંચાયત આ મકાન દૂર ન કરે તેવો દાવો અદાલત સમક્ષ કરાયો હતો. કોર્ટએ આ અરજી મંજૂર કરતા ગ્રામ પંચાયતે જિલ્લા કોર્ટમાં તેની સામે અપીલ કરી હતી. અધિક જિલ્લા ન્યાયાધીશે પંચાયતની આ અપીલ રદ કરી નીચેની કોર્ટનો મેણાબેન તરફી ચુકાદો કાયમ રાખતો આદેશ કર્યો હતો.જયારે ભુજમાં દાદુપીર રોડ ઉપર આવેલી મિલકત બાબતના વિવાદમાં ઉમર જુમાભાઇ સમા દ્વારા કરાયેલી અપીલ રદ કરીને અધિક જિલ્લા અદાલતે નીચેની કોર્ટએ આપેલા ચુકાદાને કાયમ રાખ્યો હતો કાસમ મુસા ફાજલ પઠાણ અને સિકંદર કાસમ મુસા પઠાણ વિરુદ્ધ આ અપીલ કરાઇ હતી. જેને ન્યાયાધીશ એમ.એમ. પટેલે રદ કરતો ચુકાદો આપ્યો હતો. આ બન્ને કેસમાં મેણાબેન તથા કાસમ પઠાણ અને સિકંદર પઠાણ વતી વકીલ તરીકે વરિષ્ઠ ધારાશાત્રી જે.આર. મહેતા રહયા હતા.- રત્નાકર બેંક કેસમાં આગોતરા  : દરમ્યાન રત્નાકર બેન્ક સાથે ઉચાપતના ચકચારી મામલામાં સી.આઇ.ડી. ક્રાઇમ વિભાગના બોર્ડરઝોન એકમ દ્વારા નોંધાયેલા ગુનાના કેસમાં આરોપી મોટી સાભરાઇ (માંડવી)ના મામદ સુમાર કુંભારને આગોતરા જામીન આપતો આદેશ કરાયો હતો. અધિક સેશન્સ જજ સી.એમ. પવારે આ આદેશ કર્યો હતો. આ કેસમાં આરોપી વતી વકીલ તરીકે સંતોષાસિંહ આર. રાઠોડ, ચિન્મય એચ. આચાર્ય અને જીગરદાન એમ. ગઢવી રહયા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer