એલએસી પર ચીનની હરકત ભારતને નામંજૂર

આનંદ કે. વ્યાસ દ્વારા - નવી દિલ્હી, તા. 1પ : ભારત-ચીન વચ્ચે સરહદે વ્યાપ્ત તણાવ મામલે મોદી સરકાર ચર્ચા કરવાથી કેમ દૂર ભાગી રહી છે ? તેવા સવાલ સાથે વિપક્ષ કોંગ્રેસના વોકઆઉટ વચ્ચે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે સંસદમાં નિવેદન આપ્યું કે આપણા જવાનોનો જુસ્સો બુલંદ છે. ચીનને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. તેમણે ચીનના એલએસી પર યથાસ્થિતિ બદલવાના એકતરફા પ્રયાસ કોઈ કાળે મંજૂર ન હોવાનો કડક સંદેશો આપ્યો હતો. ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચાલી રહેલા તણાવ વચ્ચે વિપક્ષો સરકારનાં નિવેદનની માગ કરી રહ્યા હતા ત્યારે રાજનાથસિંહે લોકસભામાં જણાવ્યું કે સરહદે ભારતના જવાનો પૂરી તૈયારી સાથે તૈયાર છે. તેમણે ચીનને વાતચીતનો પ્રસ્તાવ આપતા કહ્યું કે જો સરહદે ચીન કોઈ હરકત કરશે તો આપણા જવાનો યોગ્ય જવાબ આપશે.  લદ્દાખમાં મુશ્કેલ દૌર અને હાલ દેશના જવાનોની સાથે ઉભા રહેવાનો સમય હોવા પર ભાર મૂકતા કહ્યું કે સેના માટે ખાસ શત્ર-સરંજામની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના રહેવા માટે તમામ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. લદ્દાખમાં આપણે એક પડકારજનક સમયનો સામનો કરી રહ્યા છીએ. આ સમય છે કે ગૃહ પોતાના જવાનોને વિરતાનો અહેસાસ કરાવતાં તેમને એક સંદેશો આપે કે સમગ્ર ગૃહ તેમની સાથે ઉભું છે. વર્તમાન પરિસ્થિતિ પહેલાથી અલગ છે. આપણે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છીએ જ્યારે પણ દેશ સમક્ષ કોઈ પડકાર ઉભો થયો છે આ ગૃહે સેના પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી છે. આપણા જવાનોનો જોશ અને ઉત્સાહ બુલંદ છે.વધુમાં તેમણે જણાવ્યું કે અમે સરહદી વિસ્તારોમાં મુદ્દાઓનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે ચીની સંરક્ષણ મંત્રી સાથે રશિયામાં મુલાકાત કરી. તેમને કહ્યું કે અમે આ મુદ્દાનો શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છીએ છીએ પરંતુ અમે દેશની સંપ્રભુતાનાં રક્ષણ માટે પ્રતિબદ્ધ છીએ. રાજનાથ સિંહે ચીનનાં કરતૂતો અંગે જણાવ્યું કે વર્તમાન સ્થિતિ અનુસાર ચીને એલએસીના આંતરિક ભાગમાં મોટી સંખ્યામાં સૈનિકો અને શત્રો જમા કર્યા છે. ચીનની કાર્યવાહીના જવાબમાં આપણી સેનાએ સંપૂર્ણ કાઉન્ટર તૈયારી કરી રાખી છે. ગૃહ નિશ્ચિંત રહે કે આપણી સેના આ પડકારનો સફળતાપૂર્વક સામનો કરશે. ર9-30 ઓગસ્ટની રાત્રે બનેલી ઘટના અંગે તેમણે ગૃહને જણાવ્યું કે પૈગોંગ લેકના સાઉથ બ્લોકમાં યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ હતો. આપણી સેનાએ તેને નિષ્ફળ બનાવ્યો છે. ચીને દ્વિપક્ષીય સંબંધોનો અનાદર કર્યાનું સ્પષ્ટ જોવા મળે છે. ચીનને કારણે સરહદે અથડામણ થઈ છે. 1પ જૂને ચીન સાથે ગલવાન ઘાટીમાં થયેલા ખૂની સંઘર્ષમાં આપણા જવાનોએ બલિદાન આપ્યું અને ચીનના પક્ષે પણ ભારે નુકસાન પહોંચાડયું. જ્યાં સંયમ દાખવવાની જરૂર હતી ત્યાં આપણા જવાનોએ સંયમ પણ દાખવ્યું છે. જ્યાં શૌર્યની જરૂર હતી ત્યાં શૌર્ય દર્શાવ્યું છે. ચીનના દગા અંગે તેમણે માહિતી આપી કે એપ્રિલથી ચીની સેનાએ પૂર્વ લદ્દાખની સરહદે સૈનિકોની સંખ્યા વધારવાનું શરૂ કર્યું. ગલવાન ઘાટીમાં ચીનને કારણે સંઘર્ષની સ્થિતિ સર્જાઈ. કોંકલા, ગોદરા અને પૈંગોંગમાં પણ તેણે હરકત કરી. સરહદે ચીનને યથાસ્થિતિ બદલવાના પ્રયાસનો જોરદાર જવાબ આપ્યો છે. હવે ચીન એવું માને છે કે વાતચીતથી જ શાંતિ થઈ શકશે. આપણે ચીન સાથે કૂટનીતિક અને સૈન્ય વાતચીત ચાલુ હતી ત્યારે જ ર9 અને 30 ઓગસ્ટે ચીને ઉશ્કેરણીજનક સૈન્ય કાર્યવાહી કરી.રાજનાથસિંહે જણાવ્યું કે ચીને ભારતની લગભગ 38,000 ચો. કિ.મી. જમીન પર ગેરકાયદે કબજો લદ્દાખમાં કર્યો છે ઉપરાંત પાકિસ્તાને 1963ના એક કથિત કરાર હેઠળ પીઓકેની પ180 ચો. કિ.મી. ભારતીય જમીન ચીનને સોંપી દીધી છે. બીજી તરફ કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો કે આવા સંવેદનશીલ મુદ્દે તેમના સાંસદોને ગૃહમાં બોલવા દેવામાં આવી રહ્યા નથી. અમે કેટલાક મુદ્દાઓમાં સરકાર પાસે સ્પષ્ટતા ઈચ્છીએ છીએ. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer