ગોધરાથી ઝડપાયો પાકનો જાસૂસ

વડોદરા, તા. 15 (અમારા પ્રતિનિધિ તરફથી) : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની ટીમે  ગોધરામાંથી સોમવારે મોડી રાત્રે પાકિસ્તાની જાસૂસને ઝડપી પાડયો હતો. એનઆઇએની ટીમે પાકિસ્તાની જાસૂસ ઇમરાન ગિતેલીની પૂછપરછ શરૂ કરી છે. ઇમરાન વિશાખાપટ્ટનમ જાસૂસી કેસનો પણ મુખ્ય આરોપી હોવાનું પણ બહાર આવ્યું હતું. 37 વર્ષીય ઇમરાન મૂળ ગોધરાનો રહેવાસી હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ અંગે માહિતી મળતાં સ્થાનિક પોલીસની મદદ લઇને જાસૂસ ઇમરાન ગિતેલીને ઝડપી પાડયો હતો. તે પાકિસ્તાનની ખુફિયા એજન્સી આઇએસઆઇ માટે કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. ઇમરાન ગિતેલી ગોધરાનો રિક્ષાચાલક છે અને તેના સગા પાકિસ્તાનમાં જ રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. એનઆઇએના જણાવ્યા મુજબ આ મામલો એક આંતરરાષ્ટ્રીય જાસૂસીકાંડનો છે, જેમાં  પાકિસ્તાનમાંથી ભારતમાં એજન્ટોની ભરતી નૌસેનાનાજહાજો અને સબમરીનોની આવન-જાવન અને રક્ષા પ્રતિષ્ઠાનોના લોકેશન સંદર્ભે સંવેદનશીલ અને વર્ગીકૃત જાણકારી ભેગી કરવાનું હોય છે અને તમામ માહિતી પાકિસ્તાનમાં મોકલવામાં આવે છે. એનઆઇએએઁ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે.દેશની સુરક્ષાને લગતી મહત્ત્વની ગણાતી વિગતો પાકિસ્તાનના આઇએસઆઇને આપવામાં આવી હતી. જેને બદલામાં એસોસીએટ બેન્ક એકાઉન્ટ થકી રૂપિયા પહોંચાડવામાં આવ્યા હતા. આ મામલે 15 જૂને એનઆઇએ 14 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. જાસૂસી ષડયંત્રમાં ઇમરાન ગિતેલીની મહત્ત્વની ભૂમિકા સામે આવી હતી. ઇમરાન ગિતેલી રિક્ષા ચલાવવાની સાથે પાકિસ્તાન સાથે કાપડનો પણ વેપાર કરતો હતો. વધુ તપાસ માટે હૈદરાબાદ લઇ જવાયો હોવાનું જાણવા મળ્યું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer