નેવી જાસૂસીકાંડના તાર દ.ભારતથી મુંબઈ થઈ ગોધરા પહોંચ્યા

ભાર્ગવ પરીખ દ્વારા-  અમદાવાદ, તા. 1પ :?પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈ.એસ.આઈ. દ્વારા નેવીના ઓફિસરને પૈસા આપી ગુપ્ત માહિતી મેળવવા માટે મુંબઈના એક વેપારીથી લઇ  ગુજરાતના ગોધરાના રિક્ષાચાલાક સુધી ગોઠવેલા નેટવર્કનો એન.આઈ.એ.એ પકડી પાડી ગુજરાતમાં બીજા સ્લીપર સેલની તપાસ હાથ ધરી છે. વિશાખાપટ્ટનમમાં કામ કરતા ભારતીય નૌકાદળના 11 અધિકારી પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈ.એસ.આઈ. સાથે સંકળાયેલા હોવાનું બહાર આવતાં જ કેન્દ્ર સરકારે આ આખાય મામલાની તપાસ એન.આઈ.એ.ને સોંપી હતી. 2019માં પકડાયેલા આ જાસૂસીકાંડ માં એન.આઈ.એ .એ તપાસ કરતાં વિશાખાપટ્ટનમમાં કામ કરતા 11 નેવીના ઓફિસરોની ધરપકડ કરી હતી. આ ઓફિસરોને સોશિયલ મીડિયાથી પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈ.એસ.આઈ. સંપર્કમાં આવી હતી . જેમાં હનીટ્રેપનો પણ પ્રયોગ થયો હતો. એન.આઈ.એ.ના ઓફિસરે પોતાનું નામ જાહેર નહિ કરવાની શરતે જન્મભૂમિપત્રો સાથે કરેલી વાતચીતમાં કહ્યું કે, અમે જ્યારે  નેવીના ઓફિસરોના  ઇલેક્ટ્રોનિક ગેઝેટ તપસ્યા ત્યારે ખબર પડી કે વિશાખાપટ્ટનમના મોહમ્મદ હાફીઝ સાથે પૈસાની લેવડદેવડ થઇ હતી. મોહમ્મદની તપાસ કરતા ખબર પડી કે એ અનેક વખત પાકિસ્તાન જઈ આવ્યો હતો અને એના સંપર્કો આઈ.એસ.આઈ.ના સલીમ  રઝાક સાથે હતા. અમે જ્યારે વધુ તપાસ કરી તો આ નેવી ઓફિસરની પાસે પૈસા મુંબઈના વેપારી અબ્દુલ રહેમાન શેખ દ્વારા અલગ અલગ જગ્યાએ આર.ટી.જી.એસ.થી ટ્રાન્સફર થતા હતા. અમે મે 2020માં અબ્દુલ રહેમાનની ધરપકડ કરી, એની પાસેના સમાન અને બેન્ક વ્યવહારોના આધારે બીજા ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આ 11 નેવીના ઓફિસરોએ ભારતીય જળસીમામાં સબમરીન અને જહાજોની વ્યવસ્થા કયાં છે એની જાણકારી આપી હતી . અમે એમના કોલ ડીતેઐલ અને બેન્ક ટ્રાન્ઝેક્શનની ઝીણામાં ઝીણી વિગતો તપાસી તો એનું કનેક્શન ગોધરામાં ઇમરાનના ખાતામાં પૈસા જમા થયા હોવાનું બહાર આવ્યું. અમે ગુજરાત એ.ટી.એસ.ની મદદ લીધી પણ ઇમરાનની ધરપકડ કરતાં પહેલાં ઘણી તપાસ કરી કારણ કે ઇમરાન ગોધરામાં રિક્ષા ચલાવે છે અને એના નેવી સાથેના સંપર્ક વગેરે અજુગતું લાગતું હતું પણ અમે મુંબઈમાં ખાનગી રીતે કરેલી ધરપકડમાં થયેલી કબૂલાતમાં ઇમરાન આ પૈસાની લેવડદેવડમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું અને અમે એની મોડી રાત્રે ધરપકડ કરી છે. એની વધુ તપાસ ચાલુ છે, આવનારા દિવસોમાં ગુજરાતમાં ઇમરાન જેવા સ્લીપર સેલ શોધી કાઢીશું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer