ભચાઉના કાંઠાળપટ્ટાના ગામોમાં એકથી ચાર ઈંચ વરસાદ વરસ્યો

ભુજ, તા. 15 : જિલ્લામથક અને લખપત તાલુકાના દયાપર ખાતે ઝાપટાં વરસ્યાં હતાં. સતત ચોથા દિવસે વરસાદે જિલ્લામાં પોતાની હાજરી પુરાવી હતી. ભચાઉના કાંઠાળપટ્ટાના ગામોમાં ભારે વરસાદ વરસ્યાના અહેવાલ મળ્યા છે. ભુજ તાલુકાના આહીરપટ્ટીના લોડાઈ પંથકમાં  વીજળીના કડાકા સાથે 3 ઈંચ વરસાદ થયો હતો. દયાપરથી પ્રતિનિધિના  હેવાલ મુજબ છેવાડાના લખપત તાલુકામાં આજે સાંજે ઝાપટાં સ્વરૂપે પોણો ઈંચ વરસાદ પડયો હતો. તાલુકાના મુખ્ય મથક દયાપર સહિત ઘડુલી, વિરાણી, દોલતપર, બીટિયારી, સુભાષપર, મેઘપર, સાંગણગુના સહિત મોટા ભાગના વિસ્તારોમાં છૂટક ઝરમર-ઝરમર ઝાપટાં સ્વરૂપે વરસાદ ચાલુ રહ્યો હતો. તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે કન્ટ્રોલરૂમમાં 18 મિ.મી. (પોણો ઈંચ) વરસાદ નોંધાયો છે. આ ઝરમર ઝાપટાંથી ખેતીના પાકને વધુ ફાયદો થશે. આકાશ હજુ ગોરંભાયેલું છે. રાત્રે વધુ વરસાદ પડી શકે તેવી ખેડૂતોને આશા છે, તો ભુજમાં મોજીલા ઝાપટાંથી રસ્તા પલળ્યા હતા. સત્તાવાર રૂપે ભુજમાં ત્રણ મિ.મી. વરસાદની નોંધ થઈ હતી. ભચાઉ નગરમાં પણ સાંજના સમયે ભારે વરસાદી ઝાપટું પડયા બાદ રાત્રિ સુધી ઝરમર છાંટા ચાલુ રહેતાં માર્ગો પર પાણી વહેતાં થયાં હતાં. મૌસમનો કુલ વરસાદ 943 મિ.મી એટલે મંગળવાર સુધી 38 ઇંચ નોંધાયો હોવાનું ના. મામલતદાર શ્રી હુંબલે કહ્યું હતું.  જ્યારે કાંઠાળપટ્ટીના ગ્રામ્ય વિસ્તારોમાં એકથી ચાર ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હોવાના સમાચાર જાણવા મળ્યા હતા જેમાં જંગી ગામે સાંજે મેઘરાજાએ મુશળધાર વરસી પડતાં ચાર ઇંચથી ગામ અને આસપાસના માર્ગો પર પાણી  ભરાયાં હતાં અને વાહનાલકોને મુશ્કેલી પડી હતી. આ વિશે ભાજપ લઘુમતી સેલના શેરમામદ રાઉમાએ રાત્રિ સુધી વરસાદ ચાલુ હોવાનું જણાવ્યું હતું. તો સાંખિયારી લાલિયાના આંબલિયારા તથા દરિયા કાંઠાના ચીરઈ, વોંધ નંદગામ સહિતના ગામોમાં પણ વરસાદ હોવાનું લોકોએ જણાવ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer