કચ્છના માલધારીઓને સહાયની કોંગી માંગ

ગાંધીધામ, તા. 15 : કોરોના મહામારીમાં દેશના અર્થતંત્રની સાથોસાથ લોકોને પણ પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે.ભચાઉ અને બન્ની વિસ્તારમાં ઘેટાં બકરાંના થયેલાં મોતથી  મોટું નુકસાન થયું હોઈ રાજય સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી માંગ   કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. ભારે વરસાદના પગલે ભુજ, માંડવી, બન્ની, ભચાઉ તાલુકામાં ભારે વરસાદમાં અનેક પશુઓ તણાઈ ગયાં છે તો કેટલાંક પશુઓ બીમાર પડી મોતના મુખમાં ધકેલાઈ ગયાં છે. ઘેટાં બકરાં માટે પણ અસરકારક દવા શોધી શકાઈ નથી. માત્ર ભચાઉ તાલુકામાં જ દવા મલમ લગાડયા  બાદ 100થી વધુ પશુધન મોતના મુખમાં ધકેલાઈ ગયું હોવાનું તેમણે જણાવ્યું હતું.આ પરિસ્થિતિથી શું દવાની અસરકારકતા ઓછી થઈ ગઈ છે કે ગુણવત્તામાં ખામી રહી ગઈ છે. તેની તપાસ કરી માલધારીઓને થયેલાં નુકસાન બાબતે ત્વરિત નિર્ણય લઈ સહાય ચૂકવવા જિલ્લા કોંગ્રેસના મંત્રી ગોવિંદ દનીચાએ  માંગ કરી છે. જિલ્લાના અનેક તાલુકા મથકોમાં પશુ તબીબની અછત અથવા તો અનિયમિત હાજરી, દવાઓનો અપૂરતો જથ્થો, વરસાદ કે અન્ય  ઋતુ દરમ્યાન પશુઓના આરોગ્યની તપાસનો અભાવ સહિતના કારણોથી પશુઓના મોત નીપજતાં હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. માલધારીઓનો મુખ્ય વ્યવસાય ગાય, ભેંસ ઘેટાં, બકરાં હોઈ તેઓને મોટું આર્થિક નુકસાન થયું છે. હજુ પણ કિંમતી પશુધન મોતના મુખમાં ધકેલાઈ રહ્યું છે અને માલધારીઓની રોજગારી છીનવાઈ રહી છે. આ બાબતે રાજય સરકાર દ્વારા ત્વરિત કાર્યવાહી કરાય તેવી માંગ તેમણે કરી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer