ભોરારા પાટિયા પાસે અજ્ઞાત વાહન તળે આવી જતાં ભાદરોઇના રાહદારીનું મોત

ભુજ, તા. 15 : મુંદરા તાલુકામાં ભોરારા ગામના પાટિયા નજીક કોઇ વાહનની હડફેટે આવી જવાથી ભાદરોઇ (અંજાર)ના માનાભાઇ લખમીર રબારીને મોત આંબી ગયું હતું. તો બીજીબાજુ અંજાર તાલુકામાં સાપેડા ફાટક પાસે બાઇક માર્ગની બાજુએ પાણી ભરેલા ખાડામાં પડતાં ઘાયલ થયેલા ભુજના મુકેશ ચમન ઝાલા (ઉ.વ.30)નું પણ 21 દિવસની સારવાર બાદ મૃત્યુ થયું હતું. પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી અનુસાર અંજાર-માંડવી વચ્ચેના ધોરીમાર્ગ ઉપર ભોરારા ગામના પાટિયે બસ સ્ટેન્ડ નજીક ગઇકાલે મોડીસાંજે ભાદરોઇ ગામના રાહદારી માનાભાઇ લખમીર રબારીને જીવલેણ અકસ્માત નડયો હતો. કોઇ અજાણ્યા વાહનની હડફેટે આવી જવાથી માથામાં થયેલી અત્યંત ગંભીર પ્રકારની ઇજાઓ આ હતભાગી માટે સ્થળ ઉપર જ જીવલેણ બની હતી. બનાવ બાબતે મરનારના ભત્રીજા ભાદરોઇના હમીર અખઇ રબારીએ બનાવ બાદ નસાડી જવાયેલા અજ્ઞાત વાહનના ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો હતો. જ્યારે અંજાર નજીક સાપેડા ફાટક પાસે ગત તા. 25મી ઓગસ્ટના થયેલા અકસ્માતમાં ઘાયલ થયેલા ભુજના મુકેશ ચમન ઝાલા નામના યુવકનું સારવાર દરમ્યાન અત્રેની જનરલ હોસ્પિટલમાં ગઇકાલે મૃત્યુ થયું હતું. પોલીસે આપેલી માહિતી મુજબ હતભાગી આ યુવાન બાઇકથી ભુજ તરફ આવી રહ્યો હતો ત્યારે અકસ્માતે બાઇક રોડની સાઇડમાં આવેલા ખાડામાં પડી જતાં આ અકસ્માત સર્જાયો હતો. અંજાર પોલીસે કેસની તપાસ હાથ ધરી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer