ઊભરાતી ગટર મુદ્દે વેપારીઓ આકરાં પાણીએ

ઊભરાતી ગટર મુદ્દે વેપારીઓ આકરાં પાણીએ
ભુજ, તા. 14 : કચ્છના આર્થિક હબ એવા વાણિયાવાડ બજારની ઊભરાતી ગટરે હાલત ખરાબ કરી નાખી છે. વીસ-વીસ વર્ષથી આ સમસ્યાનો ભુજ સુધરાઇ ઉકેલ ન લાવી શકતાં હવે વેપારીઓની ધીરજ ખુટી છે. જો કાયમી ઉકેલ નહીં આવે તો દુકાનોને તાળાં મારી ચાવી સુધરાઇના જવાબદારોને સોંપી ગાંધી ચિંધ્યા માર્ગે જશે. સમગ્ર કચ્છમાંથી જ્યાં ગ્રાહકો ખરીદીઅર્થે આવે છે તેવી ભુજની વાણિયાવાડ બજારમાં જીગર ફૂટવેરથી કચ્છ બંધેજ સુધી ઊભરાતી ગટરને પગલે વેપારીઓને દુકાનોમાં બેસવું અસહ્ય થયું છે તો ગ્રાહકો પણ માર્ગો પર ફેલાયેલા દૂષિત પાણીને પગલે આવવાનું ટાળી રહ્યા છે. કોરોના મહામારીને પગલે આમે પણ વેપારીઓને આર્થિક જફા પહોંચાડી છે ત્યારે આ ઊભરાતી ગટરને પગલે છૂટા છવાયા ગ્રાહકો પણ આવતા બંધ થયા છે. માત્ર કોરોના મહામારી જ નહીં પણ આ બજારમાં ફેલાયેલી દુર્ગંધને પગલે કાયમી ધોરણે માસ્ક પહેરી રાખવું પડે તેવી હાલત છે. આ સમસ્યાથી વાજ આવેલા વાણિયાવાડ વેપારી એસો.ના સભ્યો અને અન્ય મળી પચ્ચીસથી ત્રીસ વેપારીઓએ સુધરાઇ ખાતે ધસી જઇ ઉગ્ર રજૂઆત કરી આ સમસ્યામાંથી કાયમી ધોરણે છૂટકારો અપાવવા માંગ કરી હતી અને જો પ્રશ્ન હલ નહીં થાય તો ટેક્સ નહીં ભરવા અને ગાંધાચિંધ્યા માર્ગે જવા ચીમકી પણ આપી હતી.  જો કે, મુખ્ય અધિકારી નીતિન બોડાતે આખી ગટરલાઇન બદલાવવાની પ્રક્રિયા અંગે જણાવતાં વેપારીઓએ આ પ્રક્રિયા વર્ષોથી ચાલુ હોવાનું કહી ઠાલા આશ્વાસનોને બદલે નક્કર આયોજન કયારે થશે તેવો સવાલ ઊઠાવ્યો હતો. ગટર ઉપરાંત આ બજારનો માર્ગ પણ અતિ જર્જરિત હોવાનું વેપારી અગ્રણીઓએ જણાવી 2011માં માર્ગ મંજૂર થવા છતાં હજુ સુધી નવો બન્યો નથી. માર્ગ થોડો ઊંચો હોવાથી ગટરના ઢાંકણાં નીચાં આવી જતાં અનેક લોકો અકસ્માતે પડી જવાના બનાવો વારંવાર બનતા હોવાનું ઉમેર્યું હતું.  નારાજ વેપારીઓએ ઉપરોકત સમસ્યાઓ અંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, સાંસદ વિનોદભાઇ ચાવડા, કલેક્ટર પ્રવીણા ડી.કે. તથા સી.એમ.ઓ. સુધી ટ્વિટર મારફતે ફરિયાદ કરી હતી.આજે મુખ્ય અધિકારીને રજૂઆતમાં ધીરેન લાલન, અતુલ પટવા, કપિલ દોશી, ભદ્રેશ દોશી, સુરેશ મહેતા, સ્મિત ઝવેરી, વિરલ શેઠ વિ. વેપારીઓ જોડાયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer