ભુજમાં ફરી રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ

ભુજમાં ફરી રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ
ભુજ, તા. 14 : શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાએ માથું ઊંચકતાં લોકફરિયાદને પગલે સુધરાઇ દ્વારા ફરી ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરાઇ હતી, જે અંતર્ગત આજે 13 જેટલા રખડતા ગૌવંશોને પકડી પાંજરે પૂરાયા હતા. ભુજમાં મુખ્ય માર્ગો ઉપરાંત શેરીઓમાં રખડતા ઢોરની સમસ્યા દિવસો-દિવસ વધતી જતી હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. આ અંગે લોકફરિયાદો ઊઠતાં અંતે સુધરાઇ તંત્ર જાગ્યું હોય તેમ આજથી ફરી ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરી હતી અને પીજીવીસીએલ કચેરીથી કલેક્ટર કચેરી થઇ મંગલમ ચાર રસ્તા સુધી 13 જેટલા રખડતા ઢોરને પાંજરે પૂરાયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, બસ સ્ટેશન તથા કચ્છમિત્ર સર્કલથી સ્ટેશન રોડ જતા માર્ગ પર તો રાત્રે વથાણ જેવાં દૃશ્યો જોવા મળતા હોય છે. આ માર્ગે દિવસ દરમ્યાન પણ ગૌવંશોના ઝૂંડ માર્ગને અવરોધી ઊભા હોય છે, ત્યારે સુધરાઇ માત્ર નામ પૂરતી ઝુંબેશ શરૂ કરવાને બદલે રખડતા ઢોરોના માલિકો સામે રાજકીય કે સામાજિક અગ્રણીઓની લાજનો ઘૂંઘટો તાણ્યા વિના ધાક બેસાડતી કાર્યવાહી કરી લોકોના જાન-માલને નુકસાનીથી બચાવે તેવી લોકલાગણી ફેલાઇ છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, લોકોના જીવ પર જોખમ સમી આ સમસ્યા બાદ થતી કાર્યવાહી અટકાવવા કે પકડાયેલા ઢોરોને છોડી મૂકવા જે અગ્રણીની ભલામણ આવે તેને જાહેરમાં ખુલ્લા પાડે તેવું પણ જાગૃત શહેરીજનો માંગ કરી રહ્યા છે. - ગામ વચ્ચે ચારાબજારને કોના આશીર્વાદ ? : મહાદેવ નાકાથી આશાપુરા મંદિર સુધી શરૂ થયેલી ચારાબજારને પગલે ચારાની લ્હાયમાં મોટી સંખ્યામાં રખડતા ઢોરો માર્ગ અવરોધી ઊભા રહે છે. સુધરાઇના જવાબદારો અને કર્મચારીઓ ચોક્કસ કારણોસર આ મુદ્દે આંખ આડા કાન કરી રહ્યા છે, ત્યારે અહીં પણ સુધરાઇ કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઊઠી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer