પાલરધુના ધોધમાં ગરકાવ ભુજના યુવકનો મૃતદેહ 41 કલાકે મળ્યો

પાલરધુના ધોધમાં ગરકાવ ભુજના યુવકનો મૃતદેહ 41 કલાકે મળ્યો
ભુજ, તા. 14 : મિત્રો સાથે ગોકુળ આઠમના ફરવા માટે નખત્રાણા તાલુકામાં પૂંઅરેશ્વર નજીકના પાલરધુના ધોધ ખાતે ગયેલા અને નહાવા માટે પડયા બાદ પાણીમાં ગરકાવ થઇ ગયેલા ભુજના કરણ ગૌતમ જોશી (ઉ.વ. 19) નામના હતભાગી યુવકનો મૃતદેહ આજે સવારે 41 કલાક બાદ મળ્યો હતો. આ સમયે ભારે ગમગીની સાથેના કરુણ દૃશ્યો સર્જાયા હતા. બહાર આવેલી વિગતો અનુસાર છેલ્લા બે દિવસની વ્યાપક શોધખોળ અને અથાગ મહેનત પછીયે પાણીમાં ગરકાવ થયેલા કરણની કોઇ ભાળ ન મળતા ગઇકાલે મોડીસાંજે શોધખોળની કાર્યવાહી આજ સવાર ઉપર રખાઇ હતી. આ દરમ્યાન આજે વહેલી સવારે આ મૃતકનો દેહ પાણીમાં તરતો જોવા મળ્યો હતો. તરવૈયાઓ, અગ્નિશમન દળ અને એન.ડી.આર.એફ. ટુકડીએ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢયો હતો.મૂળ રાજસ્થાનના વતની અને હાલે ભુજમાં હોસ્પિટલ રોડ ઉપર આશિષ એપાર્ટમેન્ટ ખાતે રહેતા મરનાર કરણના પિતા ગૌતમ ઓમપ્રકાશ જોશીએ મૃતદેહ મળી આવ્યા વિશે જાણ કર્યા બાદ નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. મૃતદેહ બહાર કઢાયો ત્યારે ગમગીની સાથેના કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. બે દિવસ પહેલાં જન્માષ્ટમીના હતભાગી કરણ તેના મિત્રો સાથે પાલરધુના ખાતે ગયો હતો અને ધોધમાં નહાવા પડયા બાદ જળમાં ગરકાવ થયો હતો. આઠમના બપોરે સાડા ત્રણેક વાગ્યે આ કિસ્સો બન્યા બાદ આ યુવાનનો મૃતદેહ 41 કલાક બાદ આજે સવારે મળ્યો હતો.બીજીબાજુ પાલરધુના ખાતેથી મળતી વિગતો અનુસાર હાલે આ વિસ્તારમાં સારા વરસાદના કારણે નયનરમ્ય કુદરતી નજારા સાથેનો માહોલ અનુભવાઇ રહયો છે. જેને લઇને અહીં પર્યટને આવનારા સહેલાણીઓ વધ્યા છે. આ વચ્ચે બનેલી આ કરુણ અને જીવલેણ ઘટના થકી  મોટા યક્ષ અને પૂંઅરેશ્વર વચ્ચેથી પાલરધુના તરફ જતો રસ્તો બંધ કરી દેવાયો હતો. હાલે કોઇએ આ સ્થળે જવું નહીં તેવી તાકીદ પણ કરાઇ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer