ભુજની ગટરના પાણી ખળખળ કરતાં પહોંચી રહ્યા છે રુદ્રમાતા ડેમમાં

ભુજની ગટરના પાણી ખળખળ કરતાં પહોંચી રહ્યા છે રુદ્રમાતા ડેમમાં
પાલારા (તા. ભુજ), તા. 14 : કચ્છના મધ્યમ કક્ષાના સૌથી મોટા ભુજની ઉત્તરાદે ખાવડા માર્ગે આવેલા રુદ્રમાતા ડેમમાં તાલુકાના ઘણા બધા ગામોના ચોમાસાના વહેતા પાણી મુખ્યત્વે બે ખારીનદીઓના વહેણમાંથી પહોંચે છે. વિશાળ ડેમની ચારેબાજુથી વરસાદી પાણીની આવક હોવા છતાં ચાર-પાંચ વરસે માંડ-માંડ ઓગનાય છે. મુખ્ય બે ખારીનદીના જળપ્રવાહ એક ભુજની ડાબી બાજુ ભૂતનાથ મંદિર પાસેથી પસાર થાય છે અને એક જમણી બાજુ નાગોર-પાલારા સીમમાંથી પસાર થઇને રુદ્રમાતા ડેમમાં મળે છે. બંને નદીઓ ઉત્તરવાહિની હોવાથી શાત્રોની દૃષ્ટિએ ઉત્તમ અને પવિત્ર ગણાય છે, પણ હાલમાં વર્ષાઋતુ હોવા છતાં નાગોર અને પાલારા સીમમાંથી વહેતી ખારીનદીમાંથી ભુજ શહેરના ગટરના પાણી જોશભેર વહીને રુદ્રમાતા ડેમમાં પહોંચીને ભુજના દેશલસર તળાવમાં ભરાયેલા ગંદાં પાણીની યાદ અપાવી રહ્યા છે. આમ તો ભુજના ગટરના પાણીનો નિકાલ ઉત્તર દિશામાં આવેલી વાડીઓના ખેડૂતો કરી રહ્યા છે. આ ખેડૂતો ગટરના પાણીથી એરંડા તથા લીલાછમ ઘાસચારાના મબલખ પાકનું ઉત્પાદન કરીને જીવનનિર્વાહ કરી રહ્યા છે. દરચોમાસે ભુજ તાલુકામાં  મેઘરાજાની કૃપા વરસે ત્યારે આ ખેડૂતો ગટરના પાણીનો ઉપયોગ બંધ કરી નાખે છે. કારણ કે, પાલર પાણી મોલ પર પડતાં એ દૂષિત જળની કોઇ ખાસ જરૂરિયાત રહેતી નથી, જેથી ગટરનું પાણી નાગોર અને પાલારા સીમમાંથી સીધું રુદ્રમાતા ડેમમાં પહોંચે છે. એક સમયે  રુદ્રમાતા ડેમનું પાણી સિંચાઇ સાથે પીવાલાયક ગણાતું પણ છેલ્લા ઘણા વરસોથી ગટરના પાણી આવતા હોવાથી આજુબાજુમાં વસવાટ કરતા લોકોએ  પીવાનાં પાણી તરીકે ઉપયોગ કરવાનું બંધ કરી નાખ્યું છે. છેલ્લા ઘણા સમયથી ભુજ અને આજુબાજુની વસતીની પાણીની સમસ્યાના ઉકેલ માટે લોકોની માગણી છે કે, નર્મદાના પાણી કેનાલ દ્વારા રુદ્રમાતા ડેમમાં પહોંચી આવે તો પીવાના પાણીનો પ્રશ્ન કાયમ હલ થઇ જાય તેમ છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ગામના આગેવાનો એ તરફના પ્રયત્નો કરી રહ્યા છે. `કચ્છમિત્ર'એ પાલારા સીમમાંથી વહેતી ખારીનદીની મુલાકાત લીધી ત્યારે એક તો વરસારાની ઋતુ અને ચારેબાજુ ઊગી નીકળેલા કુદરતી ઘાસ અને વિશાળ નદીના કાળમીંઢ?પથ્થરોને પલાળતા ગટરના પાણીના સફેદ ફીણનો નજારો પણ અલગ દેખાઇ રહ્યો હતો. સીમમાં વસવાટ કરતા ખેડૂતોએ  જણાવ્યું કે, કાયમી ગટરના પાણી કે નર્મદાના પાણી આ સીમને મળે તો અહીંની જમીન એટલી ફળદ્રુપ છે કે, અહીંનો કૃષક ધારે એ પાક પેદા કરી શકે તેમ છે. ગટરના પાણી બે અઢી મહિના વહ્યાં કરશે પછી નદી ખાલીખમ અને સૂકી બની જશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer