મુંદરા તા.ના જબલપુરમાં દશ ઇંચ વરસાદ ખાબક્યો

મુંદરા તા.ના જબલપુરમાં દશ ઇંચ વરસાદ ખાબક્યો
ભુજ, તા. 14 : બંગાળની ખાડીમાં સર્જાયેલી સાયકલોનિકલ સકર્યુલેશન સિસ્ટમને પગલે કચ્છમાં 13થી 18 ઓગસ્ટ સુધી  ભારેથી અતિભારે વરસાદની આગાહી સાચી પાડતાં મેઘરાજાએ આજે અબડાસા અને મુંદરા તથા માંડવીપટ્ટાને કેન્દ્રમાં રાખીને ટી-20ની અદામાં વિસ્ફોટક ફટકાબાજી આદરતાં જોતજોતાંમાં જ સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે. આજે ભુજમાં ઝરમરિયા છાંટા અને પ્રકાશ વચ્ચે પવનની ગતિ વધી હતી, પણ વરસાદ પડયો હતો. અન્યત્ર જેઠ માસથી સળંગ હાજરી પુરાવી રહેલા વરસાદે કચ્છને તૃપ્ત કર્યો છે, પણ હજુ ધરવ થયો નથી. કારણ કે, લખપત વાટ જ જુએ છે અને ડેમ-તળાવ પણ નામ માત્રનું જ પાણી પામ્યા છે. જે કે, જે આક્રમકતા આગાહી બાદ મેઘરાજાએ  ધરી છે એ જોતાં શ્રાવણમાં જ નામનાપાત્ર જળાશયો છલકી જાય અને ઓગન સુધી પાણી પહોંચે તેવી આશા બંધાઇ છે. મુંદરા તાલુકાના મોટી ખાખર, ધ્રબ, ભુજપુર પર બારેય મેઘ ખાંગા થયા હતા અને સર્વત્ર પાંચથી છ ઇંચ જેટલો ભારે વરસાદ તૂટી પડતાં નદીનાળા-વોકળા ઘૂઘવાટ સાથે જીવંત થયા હતા અને ફિણોટા મારતા ઉછળતા પાણી પંથ કાપતા નજરે પડયા હતા. જબલપુરમાં તો સાડા ચાર કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતાં નાનું એવું ગામ આખું તળાવમાં ફેરવાયું હતું.મુંદરાથી અશ્વિન ઝિંઝુવાડિયાનો હેવાલ જણાવે છે કે, કંઠીપટના મુંદરા ઉપર મેઘરાજાએ ગાંડો વ્હાલ કર્યો છે. તાલુકાના જબલપુર ગામે અનરાધાર 10 ઇંચ વરસાદ માત્ર સાડા ચાર કલાકમાં ખાબકતાં ખેતરોના પાળા તૂટી ગયા અને સમગ્ર ધરતી એક વિશાળ તળાવમાં?ફેરવાઇ ગઇ.જબલપુરના શાંતિલાલ જબુવાણીએ  વિગતો આપતાં જણાવ્યું કે,  દેશલપર નવીનાળનો રસ્તો વરસાદી પાણીના કારણે બંધ થઇ ગયો છે. તળાવોમાં ભરપૂર પાણીના ભરાવાના કારણે કોનું ખેતર ક્યાં છે એ કળી શકાતું નથી. પાકનું મોટાપાયે ધોવાણ થઇ ચૂક્યું છે. ભેઠ સરખા પાણીએ તારાજીના દૃશ્યો ઊભા કર્યા છે.મોટી ખાખરથી રણજિતસિંહ જાડેજા અને કુલદીપસિંહ જાડેજા 5થી 6 ઇંચ વરસાદના સમાચાર આપે છે. ભુજ માંડવી હાઇવે ઉપર જોશભેર પાણી વહી રહ્યા છે. દેશલપરથી પૂર્વ સરપંચ મહિપતસિંહ જાડેજા 6 ઇંચ વરસાદ પડયો હોવાનું કહે છે. સમાઘોઘાથી મહાવીરસિંહ જાડેજા 3 ઇંચ-ઝરપરાથી વાલજીભાઇ ટાપરિયા 5 ઇંચ વરસાદના સમાચાર આપતાં આગળ જણાવે છે કે, નાગમતી નદી લાંબા સમય પછી જોશભેર વહી છે. ઝરપરા આસપાસના તમામ ડેમ તળાવ છલોછલ ભરાઇ ચૂક્યા છે.મોટી ખાખર, સિરાચા, દેશલપર સહિતના વિસ્તારોમાં 3 કલાકમાં 6 ઇંચ વરસાદ પડયો છે. ધ્રબથી હુસેનભાઇ તુર્ક 3 ઇંચ વરસાદ વરસ્યો હોવાનું કહે છે. ટૂંડાથી કીર્તિભાઇ કેશવાણી સવા ઇંચના વાવડ આપે છે. સ્થાનિક મામલતદાર કચેરીના કન્ટ્રોલ રૂમે આપેલી માહિતી મુજબ આજનો તા. 14ની સાંજ સુધીનો 38 અને અગાઉનો 730 મળી મોસમનો કુલ વરસાદ 768 મિ.મી. (સાડા બત્રીસ ઇંચ) નોંધાયો છે.ચાલુ સાલે અગમ્ય કારણોસર જબલપુર-દેશલપુર, નવીનાળ, મોટી ખાખર વિસ્તારમાં વરસાદનું પ્રમાણ સવિશેષ રહ્યું છે. નવા બનેલા નેશનલ હાઇવેના કારણે પાણીના વહેણના નિકાલ થતા નથી, પરિણામે વરસાદી પાણી જ્યાં ત્યાં ફંટાય છે. ખેતરોની પાણી પીવાની ક્ષમતા પૂરી થઇ ગઇ છે. બાગાયતી પાકોની ઝાડીને ઉપરાંત મગફળી, એરંડા, કપાસના પાકને મહત્ત્વનો ફાયદો થશે એવું કિસાનોનું કહેવું છે. કારાઘોઘા ડેમ ફરી વખત ઓવરફ્લો થયો છે. નદી-નાળા, છેલા જોશભેર વહ્યા?છે જેથી ભૂતળની જળ સપાટી ઊંચી આવશે. ભુજપુર પ્રતિનિધિ કિરીટ સોનીના હેવાલ અનુસાર આજે સવારના 10 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ બપોરના 3 વાગ્યા સુધીમાં 150 મિ.મી. 6 ઇંચ નોંધાયો હતો. સતત પાંચ કલાક સુધી શાંતિથી વરસેલા વરસાદથી ગામના માર્ગો પરથી જોશભેર પાણી વહી નીકળ્યા હતા. છેલામાં  તેમજ નાગમતી નદીમાં પાણીની આવક થઇ હતી. મોસમનો કુલ વરસાદ 40 ઇંચ નોંધાયો હતો. તાલુકાના ગુંદાલામાં પણ શુક્રવારે સવારથી બપોર સુધીમાં દે ધનાધનની જેમ અઢથી ત્રણ ચ વરસાદ પડયો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી હોવાનું ભુવનેશ?જોશીએ જણાવ્યું હતું.- રમાં ધીમીધારે અડધો ઇંચ : રથી રશ્મિન પંડયાના હેવાલ કહે છે કે, શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે બપોરના 12થી 2 વાગ્યા વચ્ચે હળવાંથી ભારે ઝાપટાંરૂપે 12 મિ.મી. વરસાદ થયો હતો. અગાઉનો વરસાદ 540 મિ.મી. સાથે સિઝનનો વરસાદ 552 મિ.મી. (22 ઇંચ)થી વધુ?થયો છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ હળવાં-ભારે વરસાદના સમાચાર મળ્યા છે.- મ સિંચાઇનો બેરીચિયા છલકાયો :  જો મીં આ ગ્રામીણ ખેડૂતોનો તળપદો શબ્દ છે. મુંધ જો મીં એટલે કે જો જેઠ-અષાઢમાં વરસાદ થાય તો સમયસરનો ગણાવતા હોય છે. તો આ વખતે જેઠથી શરૂ?થયેલો વરસાદી માહોલ અબડાસામાં સતત ચાલુ રહ્યો છે અને શ્રાવણી અંતિમ દિવસોમાં પણ જાણે છેલ્લી ઓવરોમાં ફટકાબાજી કરતો હોય તેમ આજે મોથાળા તથા આસપાસમાં સાડાત્રણ?ઇંચ જેટલો વરસાદ પડયો હતો જેમાં મધ્યમ સિંચાઇનો બેરીચિયા ડેમ ઓવરફ્લો થઇ ગયો હતો. આજે બપોરે ત્રણ વાગ્યા પછી શરૂ?થયેલી આકાશી ઝડી સતત સાડા?ત્રણ કલાક એકધારી ચાલુ રહેતાં ગામ હોય કે સીમાડો પાણી-પાણી થઇ?ગયા હતા. ગ્રામજનો-ખેડૂતોએ જણાવ્યું હતું કે, આખો શ્રાવણ માસ લગભગ કોઇ દિવસ વરસાદી ઝાપટા વગરનો ગયો નથી. આજે તો મેઘરાજાએ કમાલ કરી નાખી હતી. મોથાળા ઉપરાંત આસપાસના બાલાચોડ, ભીમપર, કંઢાય, સરગુઆરા, કનકપર, નુંધાતડ સહિતના ગામોમાં એકસરખો વરસાદી માહોલ રહ્યો હતો. મોથાળા વિસ્તાર માટે ખેતીવાડીને પિયત માટે સિંચાઇ માટે પાણી પૂરું પાડતો બાલાચોડ ડેમ ત્રણ મહિનાથી ઓગનવાની તૈયારીમાં હતો જે આજે સવારે આખરે છલકાઇ જતાં આ જળાશયના ઓગનના પાણી મોથાળા પાપડીમાંથી બે કાંઠે વહેતા થતાં છેક બેરાચિયા સુધી પાણી જોશભેર વહ્યા હતા. આ પાપડીના પાણીના કારણે ગામનો અવર-જવરનો વ્યવહાર પણ બંધ થઇ ગયો હતો. નરેડીમાં સવા બે કલાકમાં ચાર ઇંચ નરેડીમાં બપોર બાદ ચાર વાગ્યાથી સવા બે કલાક વરસાદમાં સાડા ત્રણથી ચાર ઇંચ વરસાદ પડયો હતો. કનકાવતી નદી ત્રીજીવાર બે કાંઠે વહી નીકળી હતી. ગામમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. આજુબાજુના હિંગરિયા, ભિટારા, નાન્દ્રા, રાતા તળાવમાં પણ સારા વરસાદથી તળાવો બીજીવાર ઓગન્યા હોવાનું વીરુ ગોરે જણાવ્યું હતું. નખત્રાણા તાલુકો ગેલમાં કચ્છના બારડોલી કહેવાતા હરિયાળા નખત્રાણા તાલુકા પર આ વર્ષે મેઘરાજાએ વીતેલા ત્રણ માસથી કરેલી મહેર અવિરત છે. આજે દિનભર ઝરમર વરસાદ હતો, પરંતુ અબડાસામાં વરસેલા અનરાધાર વરસાદને પગલે પગલે ફોટ મહાદેવ (બાલાચોડ) પાસેની નદીમાં ઘોડાપૂર આવ્યા હતા અને કુદરતી સૌંદર્યના ખજાના સમો આખો વિસ્તાર પાણી પાણી થઇ ગયો હોવાનું નખત્રાણા પ્રતિનિધિ અશ્વિન જેઠીએ જણાવ્યું હતું. નખત્રાણાની પટ્ટીમાં 1 ઇંચ આજે બપોરે નખત્રાણાથી દક્ષિણ વિસ્તારના મંગવાણા, જિયાપર, કુરબઇ, માધાપર, બીરૂ, મોસુણા, નારાણપર, જડેશ્વર મહાદેવ, ફોટ મહાદેવ, રામપર (પિયોણી) સમગ્ર પટ્ટીમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે જ્યારે સમગ્ર માકપટ્ટમાં એકાદ-બે ઝાપટા વરસ્યા બાદ ઝરમરથી વરસેલો વરસાદ પા ઇંચ થયો છે. આશ્લેષા નક્ષત્રના અંતિમ ત્રણ દિવસો બાકી છે. આ નક્ષત્રમાં ભૂતકાળમાં અનેક વખત અતિવૃષ્ટિ થઇ?હોવાનો ઇતિહાસ છે ત્યારે હજી રવિવાર સુધી ચાલુ નક્ષત્રમાં શ્રીકાર વરસાદ થવાનું અનુમાન કરાય છે. રવિવારે રાત્રે ચોમાસાના પાક પેદાશમાં મહત્ત્વ ધરાવતું `મઘા' નક્ષત્રનો આરંભ થશે. આ નક્ષત્રમાં વરસાદ થાય તો ધાન્ય પેદાશો પુષ્કળ થાય તેવું ખેડૂત વર્તુળોએ જણાવ્યું હોવાનું પ્રતિનિધિ છગન ઠક્કરે જણાવ્યું હતું. બપોરે અડધા કલાકમાં જોતજોતામાં પાણી વહી નીકળ્યા હતા. મોટી વિરાણી, વાંઢ, સુખપર વિસ્તારમાં પાણી વહ્યા હતા. સાંગનારા, બેરૂ, ગોડજીપર વિસ્તારમાં આજે બપોરે 3થી સાડા ત્રણ વાગ્યા દરમ્યાન પ્રથમ તો જોરદાર પછી શાંત રીતે અડધો કલાક વરસાદ વરસતાં પાણી વહી નીકળ્યા હતા. અંગિયા મોટા : આજે 3 વાગ્યા બાદ મોટા અંગિયામાં પાણી વહ્યા હતા એવું સરપંચ ઇકબાલ ઘાંચીએ કહ્યું હતું. સાંયરા વિસ્તારમાં ઝાપટાં : સાંયરા, યક્ષ, દેવપર, આણંદસર, પલીવાડ, સુખસાણ, વિજપાસર વિસ્તારમાં બપોર બાદ બે વખત વરસાદી ઝાપટું આવતાં પાણી વહી નીકળ્યા હોવાનું ઉમર ખત્રીએ જણાવ્યું હતું. ગઢશીશા પાણી પાણી થયું આર્દ્રા નક્ષત્ર અને શ્રાવણ માસના ઉત્તરાર્ધમાં નક્ષત્રનો પ્રભાવ અને હવામાન ખાતાની આગાહીને સમર્થન આપતાં છેલ્લા બે દિવસમાં અતિશય ગોરંભાયેલા આકાશ અને અંધકારમય દિવસ વચ્ચે મેઘરાજાએ ક્યારેક હળવા તો ક્યારેક ભારે ઝાપટા વચ્ચે અંદાજિત બે ઇંચ જેટલો વરસાદ વરસાવતાં ગામના તમામ મુખ્ય માર્ગો પર પૂરજોશમાં પાલર પાણી વહી નીકળ્યા હતા. પંથકના તમામ નાના-મોટા જળાશયો ઓગની ચૂક્યા છે અને સીમાડામાં હાલ તુરંત અબોલા જીવો માટે ચરિયાણ તથા પીવાના પાણીનો પ્રશ્ન કુદરતે હલ કરી દીધો છે. શુક્રવારે બપોરે દોઢથી અઢીના એક કલાકના સમયગાળામાં મેઘરાજાએ મન મૂકીને વરસતાં `જનતા કફર્યુ' જેવો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ વરસાદમાં નહાવાના બદલે કોરોના વાયરસના ભયમાં ઘરમાં જ રહેવું સુરક્ષિત માન્યું હતું. પંથકના રત્નાપર, મઉં, પોલડિયા, મકડા, કોટડી મહાદેવપુરી, વડવા કાંયા, દુજાપર, વરઝડી, રાજપર, ભેરૈયા, વિરાણી, ઘોડલાખ, શેરડી, ગંગાપર, નાની-મોટી ભાડઇ, હમલા, મંજલ, આશરાણી, નાના-મોટા રતડિયા, ગાંધીગ્રામ વિગેરે વિસ્તારોમાં પણ સારા વરસાદના અહેવાલ સાંપડયા છે. તો પંથકમાં વિશેષ રામમોલ માટે જરૂરતના સમયનો વરસાદ ગણાવી શકાય છે. હિકડે કુરા ડીં ને બે કુરા મીં દેવપુર-ગઢ (તા. માંડવી)થી રમેશ રોશિયાના હેવાલ અનુસાર અહીં છેલ્લા દશ દિવસથી મેઘરાજા વરસી રહ્યા છે. દશ દિવસમાં કયારેક ધોધમાર તો વળી કયારેક ધીમી ધારે વરસેલા વરસાદથી સાત ઈંચ પાણી વરસી ચૂક્યા છે. ખેતર, વાડીઓ, સીમાડા લીલાછમ્મ બની ગયા છે. શુક્રવારે તો સૂરજ અને વાદળીઓ વચ્ચે સંતાકૂકડી જામી હતી. ખેતરોમાં નિંદામણ કરવા ગયેલા મજૂરો પણ કહેતા કે ગજબ કહેવાય... હિકડે કુરા ડીં ને બે કુરા મીં....!! ખેડૂતો કે પશુપાલકો સાથે વડીલો સાતમ-આઠમ પર વર્ષો પછી આવી વરસાદી ઝડી જોઇ વખત સારો હોવાની વાત કહી રહ્યા છે. એક તરફ વરસાદનો હરખ છે તો વળી સતત વરસી રહેલી મેઘમહેરથી મગ, મગફળી, તલી સહિતના પાક પર એની અસર થઇ રહી છે. વધુ પડતા વરસાદની પાક પર આડ અસર થાય તો કિસાનોની મહેનત પાણીમાં જાય જેથી જાણકારો લીલો દુકાળ થવાની ધારણાઓ કરી રહ્યા છે. નજીકના રોહા (સુમરી) પંથકના કોટડા (રોહા), વેરસલપર, ખીરસરા, દનણા, જેસરવાંઢ અને સુખપર (રોહા) સહિતના ગામડાંઓમાં સાતમ-આઠમના પાવન પર્વે વરસાદી ઝડી વરસાવતાં મેઘરાજાએ અઠવાડિયામાં પાંચથી સાત ઈંચ પાલર પાણી વરસાવી સૂકી ધરાને તરબોળ કાર્યાના હેવાલ છે. શ્રાવણ મહિનામાં અવિરત રહેલી મેઘમહેરથી ચોતરફ ડુંગરાઓ સહિતની સીમાડાની ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી હોય એવો અદ્ભુત નજારો દેખાઇ રહ્યો છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer