બન્નીમાં બેજોડ... પશુપાલકોમાં પ્રિય `તાઝી'' શ્વાન

બન્નીમાં બેજોડ... પશુપાલકોમાં પ્રિય `તાઝી'' શ્વાન
ભુજ, તા. 13 : કચ્છના પશુપાલન જગતની એક રસપ્રદ વિશેષતા જાણવા જેવી છે, ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, ઊંટ જેવા પશુ પાળવાની પરંપરાથી તો સૌ કોઈ વાકેફ હશે જ, પરંતુ બન્નીના પશુપાલકોએ પશુઓની શિકારી પશુઓથી રક્ષા કરે તેવું પશુ પાળ્યું છે. હા, શિકારી શ્વાન `તાઝી'નો તરવરાટ જોઈને સૌ કોઈ પ્રભાવિત થઈ જાય. દુનિયામાં માત્ર રશિયાના કેટલાક ભાગો ઉપરાંત આપણા દેશમાં માત્ર કચ્છની અંદર બન્નીના ઘાસિયા મેદાનોમાં જોવા મળતી `તાઝી' શ્વાનની આ દુર્લભ જાતિનું જતન બન્નીના માલધારીઓ કરી રહ્યા છે. અભ્યાસુ અને પ્રખ્યાત પર્યાવરણવિદ્ જુગલકિશોર તિવારીએ `કચ્છમિત્ર' સાથે વાત કરતાં જણાવ્યું કે, એક સમય એવો હતો, જ્યારે વરુ અને અન્ય વન્ય જીવોના `િશકારી' પ્રહારથી બચાવવાના હેતુ સાથે શિકારી પશુ તરીકે `તાઝી'નો ઉપયોગ થતો. સામાન્ય શ્વાનો કરતાં વધુ ઊંચાઈ ધરાવતું, પાતળું અને ચપળ એવું તાઝી રાત્રિના સમયે વધુ સતર્ક અને જરૂર પડયે ઝનૂની બની જઈ કોઈ પણ અજાણી વ્યક્તિ કે પશુને તમારાં ઘરમાં ઘૂસવા દેતું નથી. અઢી દાયકા પહેલાં છ વર્ષ સુધી બન્નીમાં રહીને તાઝી શ્વાનની આ દુર્લભ પ્રજાતિનું પાલન કરવાના સ્થાનિક પશુપાલકોના શોખ અને સંસ્કૃતિને નજરે જોનારા  શ્રી તિવારી કહે છે કે, પાનેવારી ગામમાં રહેતા તેમના લેખક મિત્ર કલાધરભાઈ તેમના ભાઈના ઘેર તેડી ગયા હતા અને તેમના ઘરે પાળેલું તાઝી બતાવ્યું હતું. ફુલાયના એક મિત્રએ તેમને ભેટમાં આપેલા તાઝી?શ્વાનની ચપળતા વિશે વાત કરતાં વન્ય જીવનના અભ્યાસુ કહે છે કે, અફઘાનમાં `સલુકી' જાતના શ્વાન જેવા દેખાતા આકર્ષક તાઝીનું નામ `મોગલી' રાખ્યું. લુડિયા ગામમાં પણ મારા મિત્ર શાદિક નોડેના એક સંબંધીના ઘરમાં `ગુલાઈ' નામે એક માદા તાઝી શ્વાન છે.બન્નીમાં મંધાર નોડે નામે એક પશુપાલકે પણ `તાઝી' શ્વાન પાળ્યાં છે, એટલું જ નહીં, પરંતુ નોડે આ દુર્લભ જાતિના શ્વાનની વંશાવલિની નોંધ પણ રાખે છે. કચ્છના ખારાઈ ઊંટ, સિંધી બકરી, બન્નીની ભેંસ જેવી અન્ય બેજોડ જાતોની જેમ જ બન્નીના શિકારી `તાઝી' શ્વાનની પ્રજાતિનાં રક્ષણ અને તેને યોગ્ય માન્યતા મળે તે દિશામાં સહજીવન જેવી સંસ્થાઓના તજજ્ઞો દ્વારા કામ થતું જ હશે અથવા થશે, તેવો વિશ્વાસ પણ જુગલકિશોર તિવારીએ વ્યક્ત કર્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer