કોરોના સામે દરેકની રક્ષાના હેતુથી કંથડનાથ મંદિરે નવકુંડી મહારુદ્ર

કોરોના સામે દરેકની રક્ષાના હેતુથી કંથડનાથ મંદિરે નવકુંડી મહારુદ્ર
ભચાઉ, તા. 14 : સમગ્ર વિશ્વની સાથે કચ્છમાં પણ કોરોના સંક્રમણનો આંક વધી રહ્યો છે ત્યારે તેની સાથે અનેક લોકો લડત આપી રહ્યા છે. તાલુકાના કંથકોટ ગામે આવેલા સદીઓ જૂના સ્થાનક કંથડનાથજી મંદિરે મહામારી સામે દરેકની રક્ષા થાય, ધર્મભાવના બળવાન બને તેવી આસ્થા સાથે શ્રાવણ માસમાં કોરોના મહામારીમાંથી મુક્તિ અપાવવા સમષ્ટિના હિત માટે નવકુંડી મહારુદ્ર યજ્ઞ સવારે 7.30થી 12.30 અને મહામૃત્યુંજ્યના પાઠ બપોરે 3.30થી 6 વાગ્યા સુધી કરાય છે. સમગ્ર પૂજનવિધિ અંજારના લાલા મારાજ બટુકભાઇ પંડયાના આચાર્યપદે અને યજમાન તરીકે કંથકોટના ગુલાબસિંહ સમુભા જાડેજા છે. એક માસ સુધી ચાલનાર સવારથી સાંજ સુધીના યજ્ઞ-જાપમાં 18 બ્રાહ્મણોની સમીપે પૂજાવિધિ કરાવી રહ્યા છે. યજ્ઞના મુખ્ય આચાર્ય લાલા મારાજે કહ્યું કે, કંથડનાથ જાગીરના બ્રહ્મલીન મહંત ગોપાલનાથજી બાપુના સેવક ગુલાબસિંહ સમુભા જાડેજાએ સર્વે સન્તુ સુખિન: એવા ભાવ સાથે એકલા હાથે આયોજન હાથ ધર્યું છે. યજ્ઞ મહામારીમાં શાંતિ, વરસાદ, દેવી-દેવતાઓની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. કંથડનાથજી જાગીરના મહંત સુખનાથ બાપુના આશિષથી વિશેષ ધાર્મિક કાર્ય ચાલી રહ્યું છે. અહીં કંથડનાથજી મંદિર, મહાકાલેશ્વર મંદિર, હિંગલાજ માતાજી મંદિર, કાલ ભૈરવનાથજીનું મંદિર આવેલા છે. અહીંના સેવક ગુલાબસિંહ જાડેજાએ લોકડાઉન દરમ્યાન ઊભા રહી ગયેલા વાહનચાલકો માટે મોબાઇલ રસોડું ડ્રાઇવરો માટે વીસેક દિવસ ચલાવ્યું હતું. દૈનિક 200થી 300 ટ્રકચાલક-ક્લીનરને માળિયાથી હળવદ, મોરબી વચ્ચે આ ભોજન વ્યવસ્થા કરાઇ હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer