કાળાડુંગરની રણકાંધીએ તીડે વેર્યો વિનાશ

કાળાડુંગરની રણકાંધીએ તીડે વેર્યો વિનાશ
મુસા સુમરા દ્વારા-  સુમરાપોર (તા. ભુજ), તા. 14 : ભુજ તાલુકાના સરહદી પચ્છમ વિસ્તારના કાળાડુંગરમાં સચરાચાર વરસાદથી અવનવા ઘાસની લીલોતરી ચારેકોર ખીલી ઊઠી છે. આ ઘાસની લીલોતરીની ચમક જોઈ માલધારી માડુનું મન પણ મહેકી ઊઠયું હતું, પણ આ ઘાસના ભંડારો કાળાડુંગરની ઉત્તરાદા રણ કિનારાની નીરવાંઢ, તેમજ પૂર્વ રણકિનારાના છેડે વરનોરાની સીમ, કારોખેતર તેમજ દક્ષિણ બાજુ નાથરાઈવાંઢ, ભરાડીવાંઢ વગેરેમાં રણતીડ તેમજ તીડના નાનાં બચ્ચાઓ કુદરતી કહેરરૂપી તહેલકો મચાવતા મોટા મોટા વૃક્ષોના ઝાડના પાનને  કોરી ખાઈને વર્ષો જૂના વૃક્ષોની હાલત બગાડી નાખી છે. આ રણતીડ અલગ-અલગ જૂથો, ટોળાં અને સમૂહરૂપે હોવાથી  જ્યાં ત્રાટકે છે અને રાતવાસો કરે છે ત્યાં સવારમાં ઘાસનું વિનાશ જ જોવા મળે છે. રણતીડની લાંબી ફરિયાદો બાદ તંત્ર પણ સક્રિય બન્યું છે, પણ ડુંગરાળ પ્રદેશ હોવાથી ત્યાં પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે. તંત્ર તીડનો નાશ કરવા માટે સક્રિય થવા સાથે તુગા, જામકુનરિયાના યુવાનોએ ગાડીઓ દ્વારા દવાનો જથ્થો લઈ કાળાડુંગરના સીમાડામાં દવા છંટકાવ માટે જાય છે. જેમાં તંત્રની ગાડીઓ અને દવાનો જથ્થો જ છે અને છંટકાવ કરવાવાળા તુગા-જામકુનરિયાના નવયુવાનો આ ભગીરથકાર્યમાં મદદરૂપ બની સરાહનીય કાર્ય કરી રહ્યા છે. જેમાં આ રણતીડ છૂટક-છૂટક જથ્થા-સમૂહમાં હોવાના કારણે કાળાડુંગરના રસ્તાના ભોમિયા તરીકે આ યુવાનો ખૂબ જ ઉપયોગી કાર્ય કરી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસના છંટકાવથી  નાથરાઈવાંઢ, વરનોરા સીમ-કારોખેતર વગેરે સીમાડાઓમાં ફરી કેટલાય રણતીડનો નાશ કરાયો હોવાનું જણાવ્યું હતું. આમ જ ભુજથી તંત્રની ગાડીઓ અપડાઉન કરીને કાળાડુંગર પર પહોંચતા ઘણોબધો સમય વેડફાઈ જાય છે અને જોઈએ તેટલું કામ થઈ શકતું નથી જેથી ખેતીવાડી તંત્ર દ્વારા રાત્રિરોકાણ પચ્છમમાં કરી બે-ચાર સરકારી  ગાડીઓ તેમજ બીજી પ્રાઈવેટ બે-ચાર ગાડી ટ્રેકટરો રાખી પચ્છમના યુવાનો અને માલધારીઆના સાથ-સહકાર મેળવી જો મેગા ઓપરેશન કરે તો મોટાપાયે રણતીડ નાશ કરવામાં સફળતા મળશે અને બે વર્ષ ચાલે તેટલું આ કાળાડુંગરનું મહામુલું ઘાસ રણતીડના મોંમાંથી બચાવી લેવાશે એવું લોકોએ જણાવ્યું હતું. આમ તો કાળાડુંગરની ગોદ અને સીમાડાઓમાં યુવાનોના સાથ-સહકાર સિવાય પહોંચવું પણ મુશ્કેલ છે. ડુંગરના ઉત્તરાદે છેડે આવેલી નીરવાંઢમાં રણતીડએ બહુ જ વિનાશ વેર્યો હોવાનું માલધારીઓએ કાળાડુંગરથી ફોન પર `કચ્છમિત્ર'ને જણાવ્યું હતું ત્યાં કોઈ દવાના છંટકાવવાળા હજી પહોંચ્યા પણ નથી. કુરનથી નરવિયરીવાંઢ-છપ્પરબેટ થઈ રણના કિનારારૂપી નીરવાંઢ પહોંચી શકાય અને સમયસર તીડનો નાશ કરાય તે અનિવાર્ય બન્યું છે. નીરવાંઢ પછી ફકીરવિયરીવાંઢ, આયરીવાંઢ, તીરાવાંઢ વગેરે સીમાડો રણતીડ માટે સલામત છે. આ વિસ્તાર ખૂબ જ ગીચ હોવાના કારણે રણતીડનો નાશ કરવો ખૂબ જ મુશ્કેલીભર્યો અને બાધારૂપ બનશે.  જો રણતીડનો કાળાડુંગરમાં જ નાશ નહીં કરાય તો ધીરે-ધીરે એનો પગપેસારો પચ્છમની ખેતી બાજુ થશે તો પહેલાં માલધારીઓને તો નુકસાની થઈ ચૂકી છે, પણ જો ખેડૂતોનેય થશે તો મહામુસીબતો જ ઊભી થશે. દરમ્યાન નાના દિનારાના પ્રતિનિધિ ફિઝલા અલીમામદ સમાએ જણાવ્યું હતું કે, હેલિકોપ્ટરથી દવા છંટકાવ થાય જ ઘાસ બચી શકે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer