જૈનોના મંગલકારી પર્યુષણ મહાપર્વનો આજથી પ્રારંભ

જૈનોના મંગલકારી પર્યુષણ મહાપર્વનો આજથી પ્રારંભ
પ્રબોધ મુનવર દ્વારા-   ભુજ, તા. 14 : જૈનોના  પર્યુષણ મહાપર્વનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. સરકારની ગાઇડલાઇનનો અમલ કરી ઘેર બેઠા પર્વ ઊજવાશે. સરકારી નિયમોથી વિરુદ્ધ જઇ કોઇપણ રીતે મુશ્કેલીઓમાં મુકાઇ ન જવાય તેની સર્વે સંઘોને કાળજી રાખવા જણાવાયું છે. કલ્પસૂત્ર પારણાનાં વરઘોડા, રાત્રિ જાગરણ અને સંઘ જમણ યોજવા નહીં. પૂર્વ રાજ્યમંત્રી, પૂર્વ ધારાસભ્ય અને ક.વી.ઓ. જૈન મહાજન ભુજના અધ્યક્ષ તારાચંદ છેડા, સરદાર સરોવર નર્મદા નિગમના ડાયરેકટર, પૂર્વ ધારાસભ્ય, ભુજ સાત સંઘ અધ્યક્ષ  મુકેશ ઝવેરી અને પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાએ સર્વે જૈન સંઘોને કોરોના મહામારી સંકટને ધ્યાને લઇ પર્વની ઉજવણી ઘરમાં રહીને કરવા હાકલ કરી છે. કચ્છમાં કોરોના સંક્રમણ ઝડપભેર ફેલાઇ રહ્યું છે. જેની સામે સાવચેત રહેવું અત્યંત જરૂર બન્યું છે. માસ્ક પહેરી રાખવા, હાથ સેનિટાઇઝર અથવા સાબુથી વારંવાર ધોવા તેમજ સોશિયલ ડિસ્ટન્ટ જાળવી રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે. વાગડ સમુદાયનાં પ. પૂ. આચાર્ય કલાપ્રભસૂરિશ્વરજી મ.સા. આદિઠાણા ગાંધીધામ બિરાજમાન છે. અચલગચ્છના પ.પૂ. આ.ભ. વીરભદ્રસાગરસૂરિશ્વરજી મ.સા. આદિ ઠાણા 72 જિનાલય તીર્થે બિરાજમાન છે. ભુજ વાણિયાવાડ ડેલામાં શ્વેતામ્બર મૂર્તિપૂજક-તપગચ્છ જૈન સંઘ મધ્યે પન્યાસશ્રીસ્થિતપ્રજ્ઞ વિ. મ.સા.  આદિઠાણા-3 બિરાજમાન છે તેવું સંઘ પ્રમુખ શાંતિલાલ ઝવેરીએ જણાવ્યું હતું. ભુજ શ્વેતાંબર મૂર્તિપૂજક અચલગચ્છ જૈન સંઘમાં  પૂ. સા. આગમકિરણાશ્રીજી મ.સા. આદિઠાણા-3 તથા પૂ. સા. કીર્તિલતાજી  મ.સા.  આદિ ઠાણા-2 બિરાજમાન છે  તેવું સંઘ પ્રમુખ મહેન્દ્ર દામજી શાહે જણાવ્યું હતું. શેઠ વર્ધમાન આણંદજીની પેઢી  આરાધના ભવન જૈન સંઘ દ્વારા  પૂ. સા. ભ. હિમાંશુપ્રભાશ્રીજી મ.સા., પૂ.સા. હિતદર્શનાશ્રીજી મ.સા. આદિઠાણ-7 બિરાજમાન છે તેવું  સંઘ પ્રમુખ કમલ નયન મહેતાએ જણાવ્યું હતું. ભુજ ખરતરગચ્છ જૈન સંઘ દ્વારા જીનદ્તસૂરિશ્વરજી ગુરુમંદિર જૈન દાદાવાડી,  વાણિયાવાડ ડેલામાં આવેલા શંતિનાથ જીનાલયે સરકારના દરેક નિયમોનું પાલન કરવામાં આવ્યું છે તેવું સંઘ પ્રમુખ રજની પટવાએ જણાવ્યું હતું. આઠ કોટિ મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા પ.પૂ. નવીનચંદ્રજી મ.સા.  આદિઠાણા-2 બિરાજમાન છે  તેવું વિનોદ મહેતાએ જણાવ્યું હતું.  છ કોટિ સ્થાનકવાસી જૈન સંઘમાં પૂ. પ્રેરણાજી મહાસતીજી આદિઠાણા-5 બિરાજમાન છે તેવું ધીરજ દોશીએ જણાવ્યું હતું. આઠ કોટિ નાની પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ વર્ધમાનનગરે પૂ. ગ્રિષ્માબાઇ મ.સ. આદિઠાણા-3 બિરાજમાન છે  તેવું સંઘ પ્રમુખ નીતીન બાબુલાલ શાહે જણાવ્યું હતું. જૈન શ્વે. તેરા પંથ સંઘમાં પૂ. શ્રમણી ભાવિતપ્રજ્ઞાશ્રીજી આદિ ઠાણા -3 બિરાજમાન છે તેવું  હસમુખ મહેતાએ જણાવ્યું હતું. શહેરના કોટ બહારના સોસાયટી વિસ્તારમાં છ કોટિ સંઘના જૈન ભુવને લીંબડી અજરામલ સંપ્રદાયના આચાર્ય ભાવચંદ્ર સ્વામીના આજ્ઞાનુવર્તીની ધન-મંજુલ-ગુણ પરિવારનાં વડેરા પૂ. મહાસતીજી જ્યોતિપ્રભાજી તથા સાધ્વી તોરલકુમારીજી  બિરાજમાન છે  તેવું સંચાલન સમિતિના જગદીશ મહેતા, હર્ષદ શાહ, જિજ્ઞેશ શાહે જણાવ્યું હતું.ઉમેદનગર વાસુપૂજ્ય જૈન જિનાલય તથા સર્વમંગલ આરોગ્યધામ પાછળ આવેલી દેવ અવેન્યુ સોસાયટી જિનાલયે પણ ગાઇડલાઇન અનુસરાશે. વિજયનગર રથાકાર જિનાલય તથા નવનીતનગર-કોવઇનગર મધ્યે પ.પૂ. સા. દેવપૂર્ણાશ્રીજી મ.સા., પ.પૂ. સા. કિરણકલાશ્રીજી મ.સા.  આદિઠાણા-2 બિરાજમાન છે  તેવું ક.વી.ઓ. જૈન મહાજન અધ્યક્ષ તારાચંદ છેડાએ જણાવ્યું હતું. ભુજ નજીક જૈનોના વર્ધમાનનગર- સાઉથમાં પુ.સા. શ્રી ચિંતનપૂર્ણાશ્રીજી  આદિઠાણા-3  બિરાજમાન છે.  સુપાર્શ્વ જૈન સેવા મંડળ ભુજ દ્વારા દરરોજ ગાયોને નીરણ આપવામાં આવશે. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માનસિક દિવ્યાંગોને તથા એકલા-અટુલા નિરાધાર વૃદ્ધોને ભોજનિયા જમાડવામાં આવશે.કચ્છ વાગડ સમુદાયનાં પ.પૂ. આચાર્ય શ્રી કલાપ્રભસૂરિશ્વરજી મ.સા. એ જણાવ્યું છે કે, પર્યુષણ મહાપર્વની આરાધના અંગે જે વિશેષ સૂચનો છે તેનો અમલ દરેકે અચૂક કરવાનો છે.પર્યુષણપર્વ અંગેના સામુદાયિક પ્રવચનો, વ્યાખ્યાનો, કલ્પસૂત્ર, બારસોસૂત્ર, જ્ઞાનપૂજન, 14 સ્વપ્ન, પારણા, અષ્ટમંગળ ઉજવણીઓ સમૂહમાં થઇ શકે તેવા સંજોગો નથી. સંઘોમાં દાતાશ્રીઓનો સંપર્ક કરી સાધારણ ખાતાના ફંડને વધુ સદ્ધર બનાવવું. બંને ટાઇમનાં પ્રતિક્રમણ પોત-પોતાનાં ફલેટ-બંગલા-ઘરમાં ચાર-પાંચ વ્યક્તિઓએ મળીને અંતર વિગેરે નિયમોની તેમજ માસ્ક પહેરવા વગેરે નિયમોની સાચવણીપૂર્વક કરવા.પોતાના સંઘમાં જે પણ સાધર્મિકો તકલીફમાં હોય તેમને સહાયક બનવાના પૂરા પ્રયત્નો કરવા. સંપન્ન ભાવિકોએ ઉદારભાવે સાધર્મિક ભક્તિનો લાભ ચૂકવો નહીં.  અચલગચ્છના આચાર્ય વીરભદ્રસાગરસૂરિશ્વરજી મ.સા.એ જણાવ્યું હતું કે, કોરોના સંકટના કારણે યાત્રાળુઓની અવર-જવર બંધ થતાં જિનાલયો-અતિથિગૃહો-ભોજનશાળાઓની આવક બંધ  છે. હાલના વર્તમાન સંજોગોને ધ્યાને લઇ શ્રી સંઘોના સાધારણ ફંડ ખાતાને વધુને વધુ મજબૂત બનાવવા તથા જીવદયાના કાર્ય રૂપે પાંજરાપોળ સંસ્થાઓને વધુને વધુ મદદરૂપ બનવું જોઇએ.  વસહી જૈન તીર્થ ભદ્રેશ્વર, બૌંતેર જિનાલય, ગુણપાર્શ્વતીર્થ દેઢિયા,  કટારિયા તીર્થ, વાંકી તીર્થ,  પાર્શ્વ વલ્લભ ઇદ્રધામ, શિવ-મસ્તુ સાધના કેન્દ્ર, અબડાસા મોટી પંચતીર્થીનાં સુથરી-કોઠારા-તેરા-જખૌ-નલિયા-સાંધાણ- નાની પંચતીર્થીનાં મુંદરા, ભુજપુર, મોટી ખાખર, નાની ખાખર, બિદડા તથા નૂતન પંચતીર્થીનાં વાંકુ-વારાપદ્ધર-લાલા-પરજાઉ- રાપરગઢવારી તથા ભુજ, માંડવી, ગાંધીધામ, અંજાર, ભચાઉ, રાપર, નખત્રાણા, અબડાસા, મુંદરા,  માનવ મંદિર, શંખેશ્વર મહુડીધામ સિટી સ્કવેર, સાંધવ-શાયરા, વારાપદ્ધર, બાંડિયા, ડુમરા, જૈન આશ્રમ માંડવી વિગેરે તીર્થો અને જિનાલયોમાં તથા  સંઘોમાં સરકારની ગાઇડલાઇનનું  પાલન કરવામાં આવ્યું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer