રવાપર-મઢ વચ્ચે ત્રેવડો અકસ્માત સ્કૂટરચાલક યુવાનને ભરખી ગયો

રવાપર-મઢ વચ્ચે ત્રેવડો અકસ્માત સ્કૂટરચાલક યુવાનને ભરખી ગયો
માતાના મઢ (તા. લખપત), તા. 14 (પ્રતિનિધિ દ્વારા) : આ ગામથી રવાપર તરફ જતા માર્ગ ઉપર આજે સવારે બોલેરો જીપકાર અને મિની ટેમ્પો તથા એક્ટિવા સ્કૂટર વચ્ચે થયેલા ત્રેવડા અકસ્માતમાં હાલે રવાપર રહેતા મૂળ ખાનાય (અબડાસા)ના અને માતાના મઢ લિગ્નાઇટ ખાણ ખાતે સલામતી રક્ષક તરીકે ફરજ બજાવતા રઘુભા કરશનજી જાડેજા (ઉ.વ. 32)નો જીવનદીપ બુઝાયો હતો.પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર આજે સવારે સાતેક વાગ્યાની આસપાસ ભોગ બનનારા રઘુભા જાડેજા તેમના એક્ટિવા સ્કૂટરથી જઇ રહ્યા હતા ત્યારે છોટા હાથી તરીકે ઓળખાતા મિની ટેમ્પો અને બોલેરો જીપકાર સાથેના ત્રેવડા અકસ્માતનો ભોગ બન્યા હતા. અત્યંત ગંભીર ઇજાઓ થવાના કારણે આ ક્ષત્રિય યુવકનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું. બનાવનાં પગલે દયાપર પોલીસ સ્થાનિકે ધસી જઇને કાયદાકીય કાર્યવાહીમાં પરોવાઇ હતી. ફોજદાર શ્રી ગેહલોતે ગુનાની તપાસ હાથ ધરી છે. અકસ્માતનો ભોગ બનનારા રઘુભા જાડેજા મૂળ ખાનાયના વતની હતા અને હાલે રવાપર ખાતે રહેતા હતા. તેઓ માતાના મઢ લિગ્નાઇટ ખાણ ખાતે સલામતી રક્ષક તરીકે ફરજ બજાવતા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer