119 ટકા વરસાદ વરસવા છતાં ડેમો ખાલીખમ્મ !!!

ભુજ, તા. 14 : ચાલુ સાલે જેઠ માસથી કચ્છમાં મેઘરાજાએ મહેર વરસાવવા સાથે અષાઢ બાદ શ્રાવણ માસમાં માગ્યા મીં વરસાવ્યા છે. કચ્છની વાત કરીએ તો જિલ્લામાં અત્યાર સુધી સરેરાશનો 119 ટકા વરસાદ વરસી ચૂક્યો હોવા છતાં જિલ્લાના મધ્યમ સિંચાઈના માત્ર 4 ડેમ ઓવરફ્લો થયા છે અને હાલની સ્થિતિએ 20 ડેમોમાં સંગ્રહાયેલા જળની કુલ ક્ષમતા ટકાવારીમાં 40.64 ટકા જેટલી થવા જાય છે. એટલે કે આ સરહદી જિલ્લામાં મધ્યમ સિંચાઈના માત્ર 20 ડેમો જ છલકાયા છે અને તે પૈકી 20 ટકા ડેમો એવા છે કે જેમાં 10 ટકાથી પણ ઓછું પાણી હાલની સ્થિતિમાં બચ્યું છે. સારો વરસાદ વરસવા છતાં જળસંગ્રહની સ્થિતિ જોઈએ તેટલી સારી દેખાતી નથી. ફ્લડ સેલમાંથી મળેલા સત્તાવાર આંકડા અનુસાર મેઘરાજા કચ્છ પર મહેરબાન થયા છે પણ જ્યાં વરસ્યો છે ત્યાં ખૂબ સારો વરસાદ વરસ્યો છે. અન્યત્ર હળવા-ભારી ઝાપટાં જ વરસ્યા હોવાના લીધે લખપતનો ગોંધાતડ, અબડાસાનો કંકાવટી, મુંદરાનો કારાઘોઘા, માંડવીનો ડોણ ડેમ ઓવરફ્લો થયો છે, તો રાપરના ફતેહગઢમાં 97 અને અબડાસાના બેરાચિયામાં 93 ટકા પાણીનો સંગ્રહ થયો હોવાના લીધે જો અહીં એક સારો વરસાદ આવી જાય તો બન્ને ડેમ છલકાઈ જાય તેમ છે.જિલ્લાના સૌથી મોટા એવા રુદ્રમાતા સહિતના ચાર ડેમ સ્રાવ  વિસ્તારમાં ઓછો વરસાદ વરસતાં થોડી ચિંતાજનક સ્થિતિ ચોક્કસથી દેખાઈ રહી છે. રુદ્રમાતા ડેમમાં હાલ માત્ર 9.56 ટકા તો ભુજના કાસવતીમાં 2.79 ટકા જ પાણીનો સંગ્રહ થયો છે. લખપતના સાનધ્રોમાં 6.14 અને નખત્રાણાના ભૂખીમાં 6.19 ટકા પાણી બચ્યું છે. અંજાર તાલુકાના ટપ્પર ડેમ ઉપરાંત રાપરના ફતેહગઢ-સુવઈ ડેમમાં નર્મદા નીર ઠલવાતાં હોવાના લીધે અહીં સંગ્રહેલી જળની ક્ષમતા થોડી ઘણી આશાસ્પદ હોવાનું ચિત્ર ચોક્કસથી સામે આવતું દેખાઈ રહ્યું છે.12 ડેમ એવા છે કે, જેમાં 20થી લઈ 90 ટકા સુધીનું પાણી સંગ્રહિત થયું છે. જિલ્લાની કુલ જળસંગ્રહ શક્તિની વાત કરીએ તો 20 ડેમમાં 332.27 મિલિયન ક્યુબિક મીટરની ક્ષમતા સામે હાલે 135.26 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત થયેલો છે. હવામાન વિભાગે રાજ્યના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે જિલ્લાના તમામ ડેમો છલકાઈ જાય તો બેડો પાર થઈ જાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી રહી છે. મેઘમહેરથી ગ્રામ્ય તળાવ-નાના ડેમ ચોક્કસથી છલકાઈ ગયા છે, પણ મધ્યમ સિંચાઈના ડેમો હજુય જળતરસ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer