સરકારી કચેરીઓમાં નિયમ પાલનની આકસ્મિક તપાસ સમયાંતરે થવી જરૂરી

ભુજ, તા.14: તાજેતરમાં કલેક્ટર, મદદનીશ કલેક્ટર, ડિઝાસ્ટર મામલતદારે બહુમાળી ભવનમાં આકસ્મિક ચેકિંગ કરી નવ જેટલા કર્મચારીઓને માસ્ક વિના ઝડપી પાડી તેમના વિરુદ્ધ દંડનીય કામગીરી કરવામાં આવી હતી. ત્યારે આ પ્રકારની ચેકિંગ ઝુંબેશ તમામ મહત્ત્વની કચેરીઓમાં હાથ?ધરવામાં આવે તો નિયમ પાલન માટે ચોક્કસથી જાગૃતતા આવશે તેવો મત પ્રવર્તતો દેખાઇ રહ્યો છે.કેટલાક જાગૃત અરજદારોએ આ બાબતે પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું કે, માસ્ક વગર ફરતા સામાન્ય દંડ વસુલાઇ રહ્યો છે, પણ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ આ નિયમને અવગણી ફરી રહ્યા છે. ત્યારે જે રીતે બહુમાળી ભવનમાં ચેકિંગ કરી કેટલાક કર્મીઓને દંડવામાં આવ્યા અને નિયમ પાલનની તાકીદ કરવા સહિતના પગલાં ભરાયા હતાં.ત્યારે જિલ્લામથક ઉપરાંત તાલુકા મથકો પર આવેલી મહત્ત્વની સરકારી કચેરીઓ કે જેમાં અરજદારોનું આવાગમન વધુ પ્રમાણમાં રહેતું હોય છે એવી તમામ કચેરીઓમાં જિલ્લા / તાલુકા કક્ષાની વિશેષ ટીમ બનાવી આકસ્મિક ચેકિંગ કરવામાં આવે તે જરૂરી બની ગયું છે. આ પ્રકારે આકસ્મિક તપાસણીની કામગીરી એકલ-દોકલ દિવસ માટે નહીં સમયાંતરે થાય તો જ તેની અસરકારકતા જોવા મળશે તેવીય વાત પણ કરાઇ રહી છે.અનેક સરકારી કચેરીઓમાં આજની તારીખે ફરજ બજાવતા કર્મચારીઓ હોય કે પછી અહીં આવતા અરજદારો હોય, મોટા ભાગનાઓ માસ્ક વગર ફરતા દેખાઇ રહ્યા હોવાના કારણે જ આવી તપાસ અનિવાર્ય બની ગઇ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer