ગાંધીધામમાં જમીન મામલે વેવાઇએ જ વિશ્વાસઘાત કરતાં પોલીસ ફરિયાદ

ગાંધીધામ, તા. 14 : તાલુકાના મીઠીરોહરમાં આવેલી જમીન બિનખેતી થયેથી દસ્તાવેજ કરી આપવાનું કહી દસ્તાવેજ ન કરી આપતાં એક વૃદ્ધે પોતાના વેવાઇ સામે વિશ્વાસઘાત છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શહેરના ભારતનગર વોર્ડ-9 એ.એચ. વિસ્તારમાં રહેતા મોહનલાલ ડુંગરચંદજી લલવાણીએ પોતાના વેવાઇ એવા ઇન્દ્રમલ રીકબચંદ જૈન વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદી વર્ષ 2004માં આધ્રપ્રદેશ હતા ત્યારે તેમની દીકરીના સસરા ગુલાબચંદ ઇન્દ્રમલ જૈને વેપાર ધંધો કરવા ગાંધીધામ બોલાવી લીધા હતા. ફરિયાદીએ ધંધો કરવા જમીન બતાવવા પોતાના વેવાઇ ગુલાબચંદને જણાવ્યું હતું. દરમ્યાન મીઠીરોહરમાં સર્વે નંબર 408, સર્વે નંબર 409/1 સર્વે નંબર 409/2વાળી જમીન પોતાના પિતા ઇન્દ્રમલ જૈનના નામે હોવાનું ગુલાબચંદે જણાવ્યું હતું. ફરિયાદીએ રૂા. 4,50,000 આપીને અડધી જમીન લઇ લીધી હતી. જે-તે વખતે ગુલાબચંદે પાવર ઓફ એટર્ની ફરિયાદીના પત્ની શકુંતલાદેવીના નામે કરી આપ્યું હતું. આ જમીનો બિનખેતી થઇ જાય બાદમાં તેનો દસ્તાવેજ કરી આપવા ગુલાબચંદે કહ્યું હતું, પરંતુ બાદમાં આરોપી એવા ઇન્દ્રમલ જૈને પાવર ઓફ એટર્ની કેન્સલ કરાવી પોતાની પુત્રવધૂ સંગીતા કાંતિલાલ શાહ, પૌત્ર નીતિન ગુલાબચંદ જૈન અને સંદીપ ગુલાબચંદ જૈનના નામે જમીન કરાવી નાખી હતી. પોતાની દીકરીના દાદાસસરાએ પોતાની સાથે વિશ્વાસઘાત- છેતરપિંડી કરી હોવાનું ફરિયાદીના ધ્યાને આવતાં તેમણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer