નલિયામાં ગ્રાહક બનીને આવેલી મહિલા 1.20 લાખની સોનાની વીંટીઓ ચોરી ગઇ

ભુજ, તા. 14 : અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે ગ્રાહક બનીને આવેલી અજ્ઞાત મહિલા દુકાનદાર સોની વેપારીની નજર ચૂકવીને પલકવારમાં રૂા. 1.20 લાખની કિંમતની પંદરેક સોનાની વીંટીનું બોકસ ઉઠાવી ગઇ હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. નલિયામાં જલારામ મંદિર પાસે કાર્યરત સોની અનિલકુમાર ત્રિકમદાસ જવેલર્સ નામની આ દુકાને ગઇકાલે સવારે ચોરીની આ ઘટના બની હતી. દુકાનના માલિક પરિવારના રવિન ત્રિકમદાસ બારમેડા દ્વારા ગઇકાલે રાત્રે આ મામલે અજાણી મહિલા સામે ગુનો દાખલ કરાવ્યો હતો. જેના આધારે નલિયા પોલીસે છાનબીન હાથ ધરી છે. દુકાનમાં લાગેલા સી.સી.ટી.વી. કેમેરા બરાબર કામ કરતા ન હોવાના કારણે પોલીસે આસપાસમાં કાર્યરત કેમેરાઓની મદદ સાથે છાનબીન આદરી છે. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી મુજબ ગ્રાહકના સ્વાંગમાં ચાંદીની ઝાંઝરી ખરીદવા માટે આવેલી અજાણી મહિલાએ લાગ મળતાં જ સોનાની બે ગ્રામ વજનની 15 વીંટી સાથેનું બોકસ સરકાવી લીધું હતું અને હું હમણાં જ આવું છું તેવું કહીને તે રફ્yચકકર થઇ ગઇ હતી. આ પછી બનાવ વિશે ખ્યાલ આવતાં શોધખોળ આદરાઇ હતી પણ મહિલાનો કોઇ પત્તો ન મળતાં અંતે ગુનો દાખલ કરાવાયો હતો. ફોજદાર એન.જે. સરવૈયાએ તપાસ હાથ ધરી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer