આગોતરા નામંજૂર થવા સાથે રત્નાકર બેન્કના કરોડોના કેસમાં જેન્તી ઠક્કરની જેલથી ધરપકડ

ભુજ, તા. 14 : બોગસ લાભાર્થીઓ દર્શાવીને અમદાવાદ સ્થિત રત્નાકર બેન્ક સાથે રૂા. ત્રીસેક કરોડની રકમનો ગફલો કરવાના ચર્ચાસ્પદ કેસમાં આરોપી જેન્તીલાલ જેઠાલાલ ઠક્કર (ડુમરાવાળા)ની આગોતરા જામીન માટેની અરજી આજે અત્રેની જિલ્લા અદાલત દ્વારા નામંજૂર કરાયા બાદ કેસની તપાસનીશ એજન્સી સી.આઇ.ડી. ક્રાઇમે ગળપાદર સ્થિત જેલમાંથી આ તહોમતદારનો કબ્જો લઇ તેની ધરપકડ કરી હતી. ત્રણેક અઠવાડિયા પહેલાં રત્નાકર બેન્કને સંલગ્ન કરોડોના આર્થિક ગોટાળાવાળા મામલામાં રાજ્યના સી.આઇ.ડી. ક્રાઇમ વિભાગ દ્વારા વિધિવત ગુનો દાખલ કરાયો હતો અને એ જ દિવસે દેશના કોટનાકિંગ ભદ્રેશ વસંતરાય મહેતાના પુત્ર પાર્થની ધરપકડ કરી તેના રિમાન્ડ પણ મેળવ્યા હતા. હાલે પાર્થ જ્યુડિશિયલ કસ્ટડીમાં પાલારા જેલમાં છે. આ વચ્ચે આજે દ્વિતીય આરોપીના રૂપમાં જેન્તી ઠક્કરની ધરપકડ કરાઇ છે. જેને લઇને આ આર્થિક પ્રકરણ વધુ ઘેરું બન્યું છે. રત્નાકર બેન્કના કેસમાં જેનું નામ ગુનામાં બેવાર આરોપી તરીકે છે તેવા જેન્તી ઠક્કર માટે આગોતરા જામીનની માગણી કરાઇ હતી. આ અરજીની સુનાવણી અત્રેના અધિક સેશન્સ જજ સી.એન. પવારની કોર્ટમાં થઇ હતી. આગોતરાની અરજી મુકાઇ તે પહેલાં જ તપાસનીશ એજન્સીએ આ આરોપીનું ટ્રાન્સફર વોરન્ટ હસ્તગત કરેલું હોવાથી તેને કેન્દ્રમાં રાખીને ખાસ જજની રૂએ ન્યાયાધીશ શ્રી પવારે આગોતરા જામીનની માગણી નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો. આ સુનાવણીમાં સરકાર વતી જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ સી. ગોસ્વામી હાજર રહ્યા હતા. દરમ્યાન અમારા અમદાવાદ સ્થિત પ્રતિનિધિના અહેવાલ મુજબ જિલ્લા અદાલતે આગોતરા જામીન નામંજૂર કરવાનો આદેશ કર્યા બાદ સી.આઇ.ડી. ક્રાઇમે હાલે માજી ધારાસભ્ય જેન્તીભાઇ ભાનુશાલીની હત્યાના કેસમાં જ્યુડિશિયલ કસ્ટડી ભોગવી રહેલા આરોપી જેન્તી ઠક્કરનો ગળપાદર જેલથી કબ્જો લીધો હતો. કબ્જો મળ્યા બાદ આરોપી સાથે તપાસનીશ ટુકડી અમદાવાદ ભણી રવાના થઇ છે. આગળની તપાસમાં સંભવત: સોમવારે અદાલત સમક્ષ રિમાન્ડની માગણી સાથે પેશગી કરાશે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer