કચ્છમાં કૃષ્ણ જન્મોત્સવની સાદગીથી ઉજવણી

કચ્છમાં કૃષ્ણ જન્મોત્સવની સાદગીથી ઉજવણી
ભુજ, તા. 13 : કોરોના મહામારી વચ્ચે કચ્છમાં સાતમ -આઠમના શ્રાવણી પર્વોની ઘરેલુ અને ઔપચારિક ઉજવણી કરાઇ હતી. બુધવારે શ્રી કૃષ્ણના જન્મોત્સવની મંદિરોમાં પૂજન સાથે સાદગીપૂર્વક રીતે ઉજવણી થઇ હતી. આ પ્રસંગે અમુક જગ્યાએ મટકીફોડ  સહિતની  પરંપરા સાચવવામાં આવી હતી. ભુજમાં રાત્રે દ્વારકાધીશ સહિત મંદિરોમાં આંતરિક જન્મોત્સવ ઊજવાયો હતો. જો કે ચારેકોર સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને પરિણામે ગિર્દી ટાળવામાં આવી હતી. જન્માષ્ટમી તેમજ વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપનાદિન નિમિત્તે ભુજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય શિરોમણિ મંદિરે ઉજવણી કરવામાં આવી હતી. વિભાગ મંત્રી કૃષ્ણકાંત પંડયાએ જણાવ્યું હતું કે અહીં છેલ્લા 47 વર્ષથી ભવ્ય ઉજવણી થાય છે, પરંતુ આ વર્ષે અગ્રણીઓની ઉપસ્થિતિમાં આરતી-પૂજા તથા પ્રસાદી વિતરણ જેવા કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. પૂજાવિધિ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા કરવામાં આવી હતી. ભાજપના અગ્રણી દિલીપભાઇ ત્રિવેદીએ  સુરેશભાઇ મહેશ્વરીને કચ્છ વિશ્વ હિન્દુ પરિષદના એક પાયાના પથ્થર સમા કાર્યકર ગણાવ્યા હતા. સહમંત્રી દેવજીભાઇ મયાત્રાએ  આજે કચ્છમાં અનેક જગ્યાએ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યક્રમો થયાનું જણાવ્યું હતું. સુરેશભાઇ મહેશ્વરીએ પોતાના અનુભવો દ્વારા કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે વીવી સ્વામી, મહાલક્ષ્મી ધામના અધ્યક્ષ ડોકટર હિતેશ મહારાજે પૂજન કરાવ્યું હતું. નગરપાલિકાના અધ્યક્ષા લતાબેન સોલંકી, કિરીટભાઇ સોમપુરા,  આરએસએસના વિભાગના સહકાર્યવાહ ત્રિકમભાઇ આહીર, ચંદુભાઇ રૈયાણી, મહેશભાઇ ગોર, ભાવેશભાઇ પરમાર, સોનલબેન શેઠિયા, કેતનભાઇ સોની વિગેરે હાજર રહ્યા હતા. વ્યવસ્થા જયેન્દ્રભાઇ ભાટિયા, રવિભાઇ શેઠ અને જિલ્લા અધ્યક્ષ ચેતનભાઇ ઠાકરે સંભાળી હતી. આ ઉપરાંત અંજારના માધાવરાય મંદિર, સચ્ચિદાનંદ મંદિરમાં સાદગીથી કૃષ્ણજન્મની ઉજવણી કરાઇ હતી, જ્યારે સામાન્ય રીતે મુખ્યત્વે આહીર સમાજની વસતી ધરાવતું રતનાલ ગામમાં  આઠમના ગોકુળ હોય તેવો મહોલ રચાતો હોય છે, તેની જગ્યાએ કેટલીક પરંપરા સાદગીભેર યોજાઇ હતી. ગાંધીધામ, મુંદરામાં પણ કાર્યક્રમ સાદગીપૂર્વ સંપન્ન થયા હતા. આ ઉપરાંત નખત્રાણા તેમજ તાલુકાની પાવરપટ્ટીના નિરોણા અને રબારી સમાજે ઉજવણી કરી હતી. પાટીદારોની  વસતી ધરાવતા નખત્રાણા, લખપત તાલુકામાં દર વખતે રાસની રમઝટ જોવા મળતી હોય છે તેના બદલે ચોક સૂમસામ ભાસતા હતા. ભચાઉમાં પણ ગણ્યા ગાંઠયા આગેવાનોની હાજરીમાં ઉજવણી કરાઇ હતી, તો બાકીનાઓએ ટી.વી. પર પ્રસારણ નિહાળ્યું હતું. અહીં જલારામ મંદિર, દરિયાસ્થાન મંદિર, નંદગામ, યશોદાધામ, ગોકુલધામ, નવા કટારિયા હનુમંતધામ, કબરાઉ કંથકોટમાં સાદગીપૂર્ણ ઉજવણી કરાઇ હતી.  મુંદરામાં કોરોનાની મહામારીના કારણે દર વર્ષે નુક્કડ ગ્રુપ દ્વારા યોજાતો નંદોત્સવનો કાર્યક્રમ સાદગીથી પ્રતિકાત્મક રીતે ઊજવાયો હતો પરંતુ નગરની ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા ગાયોને 200 કિલ્લા બુંદીના લાડુ ખવડાવામાં આવ્યા હતા. જન્માષ્ટમીની વિશિષ્ટ ઉજવણીકરી સમિતિએ  જીવદયાનું ઉત્તમ કામ કરતા નગરજનોએ સમિતિના કન્વીનર રતનભાઇ ગઢવી અને  સભ્યોને અભિનંદન આપ્યા હતા. મુંદરા નગર અને સોસાયટી વિસ્તારમાં જઇ ગૌવંશના જાનવરોને બુંદીના લાડુ ખવડાવાના કામમાં કિશોરસિંહ પરમાર, સલિમભાઇ જત, ધ્રુવરાજસિંહ ચૂડાસમા,  છાયાબેન ગઢવી, ધર્મેન્દ્ર જેશર, ભાવનાબેન ગોર, મુકેશભાઇ ગોર, જીતુભાઇ ઠક્કર, શિવુભા રાઠોડ, રમેશભાઇ ધેડા વગેરેઅ ઁ સહયોગ આપ્યો હતો. દાતાઓનો આભાર માનવામાં આપ્યો હતો.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer