મહામારીના સમયમાં સૌ સાથે મળી કચ્છનો વિકાસ કરીએ

મહામારીના સમયમાં સૌ સાથે મળી કચ્છનો વિકાસ કરીએ
ભુજ, તા. 13 : વોકલ ફોર લોકલ હેઠળ વાણિયાવાડ વેપારી એસોસીએશન આયોજિત મોન્સૂન ધમાકા સ્કીમ હેઠળ ડ્રોનો વિતરણ સમારોહ યોજાયો હતો.આ અવસરે મુખ્ય અતિથિ પદેથી  રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે જણાવ્યું કે, વૈશ્વિક મહામારી કોરોના વાયરસથી સમગ્ર વિશ્વનું વ્યાપાર જગત મંદીમાં છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વોકલ ફોર લોકલને સાર્થક કરવા જણાવી ઉમેર્યું કે, વડાપ્રધાન અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રજા અને વેપારીને આશ્વસ્ત કરી મહામારી સાથે રોજગાર-વ્યાપાર સાથે જીવવા માટે આત્મનિર્ભર યોજનાનો પ્રારંભ કર્યો છે. રૂા. 1400 કરોડની આ યોજના હેઠળ કચ્છના નખત્રાણા,  ગાંધીધામ, અંજાર, ભુજ અને રાપરના વેપારીઓ, નાના દુકાનદારોને પૂરક બનવાની સરકારની પહેલ છે. સંગઠન શકિતથી અવશ્ય સફળતા મળે છે તે ભુજ વાણિયાવાડ વેપારી એસોસીએશનનો મોલ અને ડિજિટલ વેપારની આ મોન્સૂન ધમાકા ઓફરની નીતિ બતાવે છે. મહામારીના આ સમયમાં આપણે સૌ સાથે મળી કચ્છનો વિકાસ કરવા કટિબદ્ધ બનીએ.તો, રિટેઈલ માર્કેટને મોલ કલ્ચર તરીકે વિકસાવવા મહત્ત્વનું યોગદાન આપનારા અને આ યોજનાના પ્રચાર-પ્રસાર માધ્યમ કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ માંકડે આ તકે જણાવ્યું હતું કે, નાના વેપારીઓ સંગઠનથી મોલ કલ્ચરના પડકારને સુપેરે પાર પાડી રહ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ?ફેડરેશન-ભુજના પ્રમુખ અનિલભાઇ ગોરે ચેમ્બર હરહંમેશ વેપારીઓની સાથે છે અને રહેશે તેવી ખાતરી  આપી હતી. વાડીલાલભાઇ, વિરલભાઇએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે રાષ્ટ્રધ્વજને સલામી આપી મહેમાનોના હાથે દીપ પ્રાગટય કરાયું હતું. એસોસીએશનના કમિટી સભ્ય સ્મિતભાઇ ઝવેરીએ સ્વાગત પ્રવચન કરી મહેમાનોને આવકાર્યા હતા. ધીરેનભાઇ લાલન, ભુજ બુલિયન મરચન્ટ એસોસીએશનના પ્રમુખ ભદ્રેશ દોશી, સ્મિત ઝવેરી દ્વારા મહેમાનોનું સન્માન કરાયું હતું. સમગ્ર કમિટી વતી વિરલ શેઠને રાજ્યમંત્રી વાસણભાઇ આહીર દ્વારા સન્માનાયા હતા.આ ઓફરના મુખ્ય સ્પોન્સર સંગીત સાડી અને અન્ય સહયોગી દાતાએ સાડી, ફેશન હબ, અલંકાર જ્વેલર્સ, યશ પોઇન્ટના મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. તળાવશેરી એસોસીએશનના જિગરભાઇ શાહ અને અનમ રિંગરોડના કમિટી મેમ્બર અનિલભાઇ ડાભી, વિપુલ મહેતા, ચેમ્બરના ઉ.પ્ર. રાજુભાઇ ટાંક, વાણિયાવાડ વિસ્તારના અગ્રણી નવીનભાઇ લાલન, હુસેનભાઇ વેજલાણી વિ.નું સ્વાગત કરાયું હતું. સમગ્ર આયોજનની વિગતવાર માહિતી આપતાં વિરલ શેઠે જણાવ્યું કે, કૂપનમાં બમણો પ્રતિસાદ એ ઓફરની સફળતાનું પ્રમાણ છે. વાણિયાવાડના ગ્રાહકને ઉત્તમ ગુણવત્તાવાળો માલ વાજબીભાવે અને 55 ઇનામ ઉપરાંત 200 જેટલા કેશ વાઉચર ગ્રાહકોને અપાયા હતા. આ યોજનાને જોમ પૂરું પાડવા ધારાસભ્ય નીમાબેન આચાર્ય, સાંસદ વિનોદભાઇ ચાવડા, ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, યુવા અગ્રણી હિતેશભાઇ ખંડોર, પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઇ છેડા, કચ્છી કોયલ ગીતાબેન રબારી, રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટીના પ્રમુખ દત્તુભાઇ ત્રિવેદી, નાગરિક સંરક્ષણ કેન્દ્રના ચિરાગભાઇ ભટ્ટે રૂબરૂ વાણિયાવાડ માર્કેટની મુલાકાત લઇ ખરીદી કરી હતી.આ પ્રસંગે આયોજકોએ  કચ્છમિત્રે આપેલા સહયોગને બિરદાવતાં જણાવ્યું હતું કે, ફકત મીડિયા પાર્ટનર તરીકે નહીં, પરંતુ સાચા અર્થમાં વેપારીઓના મિત્ર તરીકેની ફરજ પૂરી પાડી છે. સોશિયલ મીડિયા માર્કેટિંગ કંપની ઓપ્ટિમેટ્રિક્સ દ્વારા વાણિયાવાડ રિટેઈલ માર્કેટ ફેસબુક પેજનો પ્રચાર કરાયો હતો. એસોસીએશન વતી વિશાલભાઇ શાહનું બહુમાન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમમાં વાણિયાવાડના કમિટી મિત્રો વિરલ શેઠ, કૈલાસ ત્રેવાડિયા, સંદીપ શાહ, અતુલ વોરા, પુનિત શાહ, હર્ષ સંઘવી, રાજેશ શાશ્વત, સુરેશ મહેતા, અતુલ પટવા, કલ્પેશ ઠક્કર અને બિપિન શાહનો સહયોગ સાંપડયો હતો. તમામ વેપારી મિત્રોએ કમિટી સભ્યોની કામગીરીને બિરદાવી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer