પાલરધુનાના પ્રવાહમાં ભુજનો યુવાન ગરકાવ

પાલરધુનાના પ્રવાહમાં ભુજનો યુવાન ગરકાવ
ભુજ, તા. 13 : નખત્રાણા તાલુકામાં પર્યટન સ્થળ બનેલા દેવપર (યક્ષ) નજીકના પાલરધુના ધોધ ખાતેના પાણીમાં ભુજનો કરણ ગૌતમ જોશી નામનો યુવાન ગઇકાલે લાપતા બન્યા બાદ વ્યાપક શોધખોળ છતાં આજે રાત્રિ સુધી તેનો કોઇ પતો મળ્યો નથી. ગઇકાલે બપોરે પાલરધુનાના ધોધમાંથી વહેતા પાણીમાં ગરકાવ થયેલા ભુજના આ યુવકને શોધવા માટે તરવૈયાઓ અને અનુભવીઓ કામે લાગ્યા હતા. તેમની અથાગ મહેનતનો કોઇ થાક લાગ્યો ન હતો. આ પછી આજે ગાંધીધામથી એન.ડી.આર.એફ.ની ટુકડી અને ભુજથી અગ્નિશમન દળ પણ આવીને શોધખોળમાં જોડાયું હતું  આામ છતાં આજે રાત્રિ સુધીમાં હતભાગીનો કોઇ જ પતો મળ્યો ન હોવાની વિગતો સપાટીએ આવી હતી. ભુજમાં હોસ્પિટલ રોડ ઉપર આશિષ એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને વ્યવસાયે કર્મકાંડ કરતા પિતાના બે પુત્રો પૈકીનો નાનો પુત્ર એવો કરણ જોશી ગઇકાલે આઠમના તહેવાર નિમિત્તે કુલ્લ આઠ મિત્રના જૂથમાં પાલરધુના ફરવા ગયો હતો. જ્યાં તે પાણીમાં ગરકાવ થયો હતો. તેને પાણીમાં ડૂબતો અને તણાતો બચાવવા બે મિત્ર પણ પાણીમાં કૂદયા હતા. જેઓ માંડમાંડ પાણીના પ્રવાહમાંથી બહાર નીકળી શકયા હતા. બનાવના સ્થળ પાલરધુનાથી મળતી માહિતી મુજબ પાણીમાં લાપતા બનેલા યુવાનના પરિવારજનો ઉપરાંત આસપાસના ગ્રામજનો અને આગેવાનો સ્થળ ઉપર પહોંચ્યા હતા. આજે અંધારું થયું ત્યાં સુધી હાથ ધરાયેલી શોધખોળ સફળ ન થતા  હવે આવતીકાલે પુન: શોધખોળ આદરાશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer