ઓનલાઇન મગાવેલી બેટરીનું રિફન્ડ મેળવવામાં 4.70 લાખની રકમ ખોઇ

ભુજ, તા. 13 : સોશિયલ મીડિયાના માધ્યમથી ફ્લિપકાર્ટ પાસેથી મોબાઇલ ફોનની બેટરી મગાવ્યા બાદ રૂા. 899ના મૂલ્યની આ બેટરી બદલાવા માટેની પ્રક્રિયા દરમ્યાન મુંદરા તાલુકાના શિરાચા ગામ પાસે કાર્યરત અદાણી વિદ્યુત મથકના સુપરવાઇઝર બળદેવ મગન ગઢિયાને રૂા. 4,70,292ની રોકડ રકમ ગુમાવવી પડી હતી. મૂળ સુરેદ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના હીરાપુર ગામના વતની અને હાલે મુંદરા ખાતે ઉમિયાનગરમાં રહેતા બળદેવ ગઢિયાએ આ મામલામાં મુંદરા પોલીસ મથકમાં આજે ફિલપકાર્ટ કસ્ટમર કેરના મોબાઇલ ફોનના નંબરના આધારે આ ગુનો વિધિવત રીતે દાખલ કરાવ્યો હતો. પોલીસ સૂત્રોએ ફરિયાદને ટાંકી આ સંબંધી વિગતો આપતાં જણાવ્યું હતું કે ભોગ બનનારા શ્રી ગઢિયાએ ફિલપકાર્ટ એપ્લિકેશન મારફતે પાનાસોનિક કંપનીની મોબાઇલ ફોનની બેટરી મગાવી હતી, પણ તેમને નોકિયા કંપનીની બેટરીની ડિલિવરી મળી હતી. આ બેટરી પરત કરીને તેનું મૂલ્ય રૂા. 899 પરત મેળવવા માટે તેમણે એપ્લિકેશન નાખતા બે દિવસમાં રૂપિયા પરત મળી જવાનો તેમને જવાબ મળ્યો હતો. બે દિવસમાં રિફન્ડની રકમ પરત ન આવતાં ફરિયાદીએ ગૂગલ મારફતે ફિલપકાર્ટ કસ્ટમર કેરનો સંપર્ક કરતાં તેમની પાસેથી અમુક એપ્લિકેશનો ડાઉનલોડ કરાવાઇ હતી અને તેમની પાસેથી ફોન ઉપર વાત કરનારે પાસવર્ડ અને આઇ.ડી. હસ્તગત કરી લીધા હતા. આ પછી શ્રી ગઢિયાના એકિસસ બેન્કના ખાતામાંથી રૂા. 4.70 લાખ જેવી મોટી રકમ હળવી થઇ ગઇ હતી, તેવું ફરિયાદમાં જણાવાયું છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer