પૂર્વ કચ્છ પોલીસે બે ફરાર આરોપીને શોધી કાઢ્યા

ગાંધીધામ, તા. 13 : રાજકોટ જેલમાંથી પેરોલ મેળવ્યા બાદ ફરાર આરોપીને પૂર્વ કચ્છ સ્થાનિક ગુનાશોધક શાખાની ટુકડીએ અને ગાંધીધામના વિવિધ ગુનામાં પાંચ વર્ષથી ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે પાંજરે પુર્યા હતા. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ  આરોપી સલીમ અદ્રેમાન સમેજા (વીડી  બગીચા બસ સ્ટેશન પાસે)એ વર્ષ 2011માં અંજારમાં હત્યા નીપજાવી હતી.  હત્યાના બનાવમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. રાજકોટ જેલ ખાતે સજા ભોગવતો આ શખ્સ ગત એપ્રિલ મહિનામાં 59 દિવસની ફર્લો રજા ઉપર વતન વીડી ખાતે આવ્યો હતો. આરોપીએ ગત તા. 1 જૂનના હાજર થવાનું હતું, પરંતુ જેલમાં હાજર ન થઈ ફરાર થઈ ગયો હતો. એલસીબીની  ટુકડીએ   બાતમીના આધારે વોચ ગોઠવી વીડી ગામના બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડયો હતો.  આરોપીને રાજકોટ જેલ હવાલે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પાટણ જિલ્લાના રાધનપુરનો વતની આરોપી અસરફ સલીમખાન પઠાણ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા છેડતી અને ધાકધમકીના ત્રણ ગુનામાં  પાંચ વર્ષથી ફરાર હતો. બાતમીના આધારે એલ.સી.બી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે  વોચ  ગોઠવી હતી.  પોલીસે ફરાર આરોપીની ભુજથી ધરપકડ કરી બી-ડિવિઝન પોલીસને સોપ્યો હતો.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer