ગાંધીધામમાં ખાનગી રાહે કોરોનાની થશે સારવાર : સ્ટર્લિંગમાં અલાયદો વિભાગ શરૂ

ગાંધીધામ, તા. 13 : કચ્છમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને લઇને લોકોને ઉત્તમ સારવાર મળી રહે તેવા હેતુથી અહીંની ખાનગી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશયાલિટી હોસ્પિટલ દ્વારા નવો જ કોવિડ કેર વિભાગ શરૂ કરાતાં આ સંકુલના દર્દીઓને અલાયદી અને આધુનિક સારવાર ઉપલબ્ધ થશે.રામકૃષ્ણ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ મોહનભાઇ ધારશીએ એક યાદીમાં જણાવ્યું છે કે, કોવિડ?કેર વિભાગમાં પ્રવેશથી લઇને ડિસ્ચાર્જ થવા સુધી સારવારની અન્ય વ્યવસ્થાથી અલગ જ સુવિધા ઊભી કરાઇ?છે, જેથી અન્ય દર્દીઓને સંક્રમણનો ભય ન રહે. સરકારની માર્ગદર્શિકા મુજબ કોરોના સંક્રમિત દર્દીઓને આ અલાયદા વિભાગમાં તમામ પ્રકારની સારવાર-સુવિધા સરકારના નિયત દરે અને નિયમોને આધીન અપાશે. મોહનભાઇના જણાવ્યા પ્રમાણે અત્યારનો સમય કોરોના સામે લડવાનો છે અને અમારો આશય પણ કોરોના સંક્રમિત દર્દીઓને સઘન સારવાર આપવાનો છે. કોવિડ કેર વિભાગમાં 24 કલાક ક્રિટિકલ કેર તથા પલ્મોનરી નિષ્ણાતો અને નર્સિંગની સેવા ઉપલબ્ધ છે. આઇ.સી.યુ., આઇસોલેશન વોર્ડ, લાઇફ સપોર્ટ સિસ્ટમ, એચ.ડી.યુ. વોર્ડની સુવિધા છે. રાહતદરના પેકેજ પણ ઉપલબ્ધ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ હોસ્પિટલમાં અન્ય તમામ મલ્ટિસ્પેશિયાલિટી તથા તાકીદની સારવાર 24 કલાક ઉપલબ્ધ છે. અન્ય દર્દીઓને કોઇપણ પ્રકારે કોરોના સંક્રમણનો ભય ન રહે તેની સંપૂર્ણ કાળજી લેવાશે. કોરોના સિવાયના અન્ય તમામ દર્દીઓને હોસ્પિટલના મુખ્ય દરવાજેથી પ્રવેશની વ્યવસ્થા છે. તપાસ અને પ્રાથમિક સારવાર અર્થે ખાસ વિસ્તાર બનાવાયો છે. હોસ્પિટલમાં પ્રવેશ પૂર્વે તમામ દર્દી તથા સંબંધીઓનું થર્મલ ક્રીનિંગ કરાશે. હોસ્પિટલના સેન્ટર હેડ રાજ કડેચાએ જણાવ્યું હતું કે, દર્દીઓની સારવાર અમારી સર્વોપરી જવાબદારી છે. આ પ્રતિબદ્ધતાને કપરા સમયમાં પણ પૂરી પાડવા અમે સજ્જ છીએ. કોવિડ?કેર વિભાગમાં દર્દીઓની સારવાર ખૂબ અનુભવી અને નિષ્ણાત તબીબો, નર્સિંગ સ્ટાફ દ્વારા અપાશે એવું ટ્રસ્ટના મંત્રી નંદલાલ ગોયલની યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer