દેશલસર તળાવ ઓગનતાં નજીકના વિસ્તારોમાં ગટરનાં પાણી ફરી વળ્યાં

દેશલસર તળાવ ઓગનતાં નજીકના વિસ્તારોમાં ગટરનાં પાણી ફરી વળ્યાં
ભુજ, તા. 11 : આજે બપોરે પડેલા વરસાદને પગલે ભુજનું દેશલસર તળાવ ઓગનતાં ગટરવાળાં પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળતાં દુર્ગંધથી લોકો પરેશાન બન્યા હતા અને દુકાનો બંધ કરી ચાલ્યા જવાની ફરજ પડી હતી. ભુજમાં દેશલસર તળાવમાં આવતી આવમાં અનેક સ્થળે રહેણાક તથા વ્યવસાયિક પ્રતિષ્ઠાનોના ગટરના જોડાણો ખુલ્લાં મુકાયાં છે. જ્યારે સારો વરસાદ પડે એટલે આ ગંદકી દેશલસર તળાવમાં ઠલવાય. વળી, તળાવમાં જ અંદર ગટરની મોટી ચેમ્બર આવેલી છે જે ઓવરફલો થાય એટલે દૂષિત પાણી તળાવમાં ફરી વળે.  આજે બપોરથી શરૂ થયેલા મેઘરાજાએ ભુજ પર હેત વરસાવ્યું હતું પરંતુ દેશલસર તળાવ ઓગનતાં જ સોનાપુરી સ્મશાન નજીક અને તળાવ આસપાસના વિસ્તારમાં ફરી વળતાં દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું હતું. ધંધાર્થીઓ તો દુકાનો બંધ કરી ચાલ્યા ગયા હતા પરંતુ રહેવાસીઓની હાલત કફોડી થઇ હોવાનું રહેવાસી રમજુભાઇ રાયમાએ જણાવ્યું હતું. આ પાણીને પગલે રોગચાળો ફેલાય તેવી ભીતિ પણ રહેવાસીઓ દ્વારા વ્યક્ત કરાઇ હતી. આ બનાવને પગલે સુધરાઇ દ્વારા દેશલસર તળાવ પ્રત્યે દાખવાતાં ઓરમાયાં વર્તન  સામે ભારે રોષની લાગણી ફેલાઇ હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer