લાકડિયા ચેકપોસ્ટ પર હુમલાના બનાવના આરોપીનું જીએસટી કૌભાંડ

લાકડિયા ચેકપોસ્ટ પર હુમલાના બનાવના આરોપીનું જીએસટી કૌભાંડ
ભચાઉ/ગાંધીધામ, તા. 11 : તાજેતરમાં ભચાઉ તાલુકાના લાકડીયા ચેક પોસ્ટ ખાતે રાજકોટ સ્ટેટ જીએસટીના અધિકારી ઉપર હુમલો કરનારો આરોપી પરિવહનકાર ખુદ જીએસટીનો પણ આરોપી  હોવાનું બહાર આવ્યું છે.  અમદાવાદ અને રાજકોટની ટુકડીએ આ શખ્શના  પ્રતિષ્ઠાનો ઉપર દરોડા પાડી કૌભાંડની કડીઓ મેળવવા માટે તપાસનોધમધમાટ આદર્યો છે. આ અંગે આધારભુત સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ સામખીયાળીમાં ટ્રાન્સ્પોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા શખ્શ રાયધણ ડાંગરે તપાસમાં રહેલા સ્ટેટ જીએસટી રાજકોટના અધિકારી ઉપર હુમલો કર્યો હતો. આ શખ્શની વિગતો અમદાવાદ સ્થિત કચેરી ખાતે પહોચતા આ શખ્શે આચરેલા કૌભાંડની બાબતો પ્રકાશમાં આવી હતી. અને તંત્ર ખુદ આ શખ્શને શોધતું હોવાનું બહાર આવ્યું હતું. હુમલાખોર આરોપીએ અગાઉ સિંગદાણાના બીલીંગમાં મોટા પાયે ગોલમાલ કરી સરકારી તીજોરીને નુકશાન કર્યું હોવાનું ખુલ્યું છે. આ બનાવ સંદર્ભે રાજકોટ જીએસટી કચેરીના ઇન્સ્પેકટર હાર્દિકભાઇએ કચ્છમિત્રને ફરિયાદ સંદર્ભેની વિગતો આપી હતી, જેમાં 54.71 કરોડના ઇ-વે બિલ અને 9.73 કરોડની વેરાચોરીના આંકડા આપ્યા હતા. તેમાં આરોપી ત્રાહિત વ્યકિતના નામે ખોટા જીએસટી નંબર કઢાવી તેઓના દસ્તાવેજનો ખોટો ઉપયોગ કરી બોગસ નંબર મેળવી અને બિલ વિના માલનું વહન કરી ભરવાપાત્ર વેરો જમા ન કરાવી કરચોરી કર્યાની ફરિયાદ લખાવાઇ છે. ફરિયાદમાં લખાવાયેલી વિગતો મુજબ આકાશ એન્ટરપ્રાઇઝ (રાજકોટ), ભવ્યા એન્ટરપ્રાઇઝ (રાજકોટ), સુપેરીયર સિરામિક્સ (મોરબી), સ્કાયહાય સિરામિક્સ (મોરબી)ના બિલની રકમ અને વેરો ભર્યો નથી.અત્રે ઉલ્લેખનીય છે કે, રાશન-દૂધના બિલ માંડ ભરી શકે તેવા લેબર, ડ્રાયવર, પૂજારી અને ચાની લારી ચલાવનારના નામે બોગસ જીએસટી નંબર ઉપર આ ભારેખમ બિલવેરાનો બોગસ વહીવટ થયો છે.પ્રાપ્ત વિગતો મુજબ આરોપી ડ્રાવરનું ક્રિષ્નાનગર સ્થિત રહેઠાણ અને જીવન ધોરણ સામાન્ય છે. લેપટોપ જેવી વસ્તુ કબ્જે કરવા ગયેલી ટીમને શું મળ્યું તે સવાલ છે. તો, આ પ્રકરણ થકી અનેકના પગ નીચે રેલો આવે તેવી શક્યતા વ્યકત થઇ રહી છે. દોઢ વર્ષથી જીએસટી અધિકારીની નજીક રહેતા ડ્રાવરના પત્નીએ કહ્યું કે, તેમના પતિનો માત્ર દસથી બાર હજાર પગાર છે. છ ગાડીમાં આવેલા વીસેક લોકો તેમના પતિને ઉપાડી ગયા છે. ઉપરાંત ઘરની તપાસ કરી તેમની પણ પજવણી કરી વારંવાર લેપટોપની માગણી કરી રહ્યા છે તેવો વીડિયો પણ સામખિયાળી-ભચાઉ પંથકમાં વાયરલ થયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer