કચ્છના સહકારી દૂધ માળખાંને નવી ગતિ અને દિશા મળી છે

કચ્છના સહકારી દૂધ માળખાંને નવી ગતિ અને દિશા મળી છે
રાયધણપર (તા. ભુજ), તા. 11 : વલમજીભાઇ હુંબલે સહકારી ક્ષેત્રમાં કરેલી મહેનતથી આજે કચ્છનું નામ એશિયા ખંડમાં પ્રખ્યાત થયું છે, તેથી લાગણી સાથે કચ્છભરના સહકારી અગ્રણીઓની ઉપસ્થિતિમાં માધાપર ખાતે લાગણીસભર સન્માન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા સહકારી સંઘ દ્વારા આયોજિત સન્માન સમારંભમાં આયોજક કચ્છ જિલ્લા સહકારી સંઘના ચેરમેન અને સન્માન સમારોહના અધ્યક્ષ શિવજીભાઇ આહીરે જણાવ્યું કે, વલમજીભાઇ હુંબલે મહેનત અને ખંતથી કચ્છના સહકારી દૂધ માળખાંને નવી ગતિ અને નવી દિશા આપી છે. અમૂલના વાઇસ ચેરમેન તરીકે વરાયેલા શ્રી હુંબલે આ સન્માનનો પ્રતિભાવ આપતાં જણાવ્યું કે, સમગ્ર કચ્છના પશુપાલકો-ખેડૂતો અને સહકારી માળખાંના સહકારથી સફળતા મળી રહી છે. અમૂલના વાઇસ ચેરમેન બનવાથી હવે કાર્યક્ષેત્ર વધ્યું જરૂર છે છતાં કચ્છને વધુ ને વધુ વિકાસ તરફ આગળ લઇ જવા પ્રયત્નશીલ રહીશ તેવી ખાતરી તેમણે આપી હતી. કાર્યક્રમના અતિથિવિશેષપદે ઉપસ્થિત કચ્છના માજી સાંસદ પુષ્પદાનભાઇ ગઢવીએ જણાવ્યું કે, કચ્છને અમૂલમાં મળેલું મહત્ત્વ એ સહકારભર્યા પ્રયત્નોને આભારી છે. તેમણે ઉપસ્થિતોને સફળતા મેળવવા માત્ર ને માત્ર મહેનત અને સતત પ્રયત્નો કરવાનો મંત્ર આપ્યો હતો. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શિવદાસભાઇ પટેલે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. કચ્છ જિલ્લા સહકારી સંઘના માનદમંત્રી ભરતભાઇ ઠક્કર, ડાયરેક્ટરો હકૂમતસિંહ જાડેજા, મનુભા જાડેજા, વેલાભાઇ ઝરૂ, દાનાભાઇ આહીર, સહકારી અગ્રણીઓ દુદાભાઇ આહીર, પાંચાભાઇ કોઠીવાર, શંભુભાઇ ઝરૂ વગેરેએ સન્માન કર્યું હતું. લાખોંદ શીત કેન્દ્ર હેઠળના ગામેગામથી ઉપસ્થિત દૂધ મંડળીના પ્રતિનિધિઓ અને આગેવાનોએ વિશેષ સન્માન કરી લાગણી વ્યક્ત કરી હતી. કચ્છ મચ્છોયા આહીર સમાજ ઉપપ્રમુખ અરજણભાઇ, વાઘુરા વઇના પ્રમુખ રાધુભાઇ આહીર, વરલી સરપંચ બાબુભાઇ મકવાણા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer