કાળાડુંગરના રણ સીમાડે અને નિરોણા પાસે તીડનાં ઝુંડથી ચિંતા

કાળાડુંગરના રણ સીમાડે અને નિરોણા પાસે તીડનાં ઝુંડથી ચિંતા
ભુજ, તા. 11 : કાળા ડુંગરની ઉત્તરે રણ વિસ્તાર અને નિરોણા વાડી વિસ્તારમાં છેલ્લા પાંચેક દિવસથી તીડના બચ્ચાના ઝુંડે દેખા દેતાં ચિંતા જાગી છે. ખાવડાથી પ્રતિનિધિ હિરાલાલ રાજદે અને નાના દિનારાના પ્રતિનિધિ ફઝલ અલીમામદ સમાએ કહ્યું હતું. કાળા ડુંગરના ઓતરાદે રણ સીમાએ આચરી અને ફકીર વાડી વિસ્તારમાં તીડના ઝુંડના ઝુંડ દેખાયાં છે. આ અંગે નિરોણાથી રમેશભાઈ આહીરના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચેક દિવસથી ઈન્ડિયન ઓઈલ ગેસ ગોદામ આસપાસના ખેતરોમાં તીડના બચ્ચા દેખાતાં ચિંતા ફેલાઈ છે. આ બચ્ચાં મગ, તલ અને એરંડાના પાકને નુકસાન પહોંચાડતાં હોવાથી ગ્રામસેવકને જાણ કરતાં તેઓ રજામાં હોવાનું જણાવી દવા મગાવી છંટકાવ કરી લેવા કહ્યું હતું. જો કે, તીડ નિયંત્રણ શાખામાં આ બાબતે જાણ કરતાં તેઓ મદદરૂપ બન્યા હોવાનું ઉમેર્યું હતું. હાલમાં તો બચ્ચાં જ છે પણ જો સત્વરે નિયંત્રણમાં નહીં લેવાય તો આવનાર દિવસોમાં તીડ મોટા થતાં નુકસાનીનું પ્રમાણ વધી જશે. જેથી તંત્ર દ્વારા સત્વરે પગલાં ભરાય તેવી ખેડૂતોમાં માંગ ઊઠી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer