કુંદનભાઇનું જીવન મૂલ્યનિષ્ઠ હતું

કુંદનભાઇનું જીવન મૂલ્યનિષ્ઠ હતું
ભુજ, તા. 11 : કચ્છના જાહેર જીવનના મોભી, ગુજરાતના નખશિખ પ્રામાણિક એવા ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કુંદનલાલભાઇ જ. ધોળકિયાની 100મી જન્મજયંતીએ તેમની ટાઉનહોલ, ભુજ પાસેની પ્રતિમાને ભુજ નગરપાલિકાના અધ્યક્ષા લતાબેન સોલંકીના વડપણ હેઠળ હારારોપણ સાથે શ્રદ્ધાસુમન અપાયા હતા. આ પ્રસંગે નગર અધ્યક્ષા લતાબેન સોલંકીએ તેમના નગરપતિના સમયમાં ભુજમાં રસ્તા, રોડલાઇટ, બાગ, ગઢ તોડવા તેમજ અન્ય વિકાસકામોને યાદ કર્યા હતા. સમિતિના કન્વીનર એડવોકેટ સુભાષભાઇ વોરાએ જણાવ્યું કે, કુંદનભાઇનું સમગ્ર જીવન અંગત સ્વાર્થથી મુક્ત હતું. પોતાનું જીવન સમાજ માટે સમર્પિત કરી દીધું હતું. ગાંધીજીના વિચાર મુજબના મૂલ્યો-સિદ્ધાંતો જીવનમાં ઉતારી જીવનના અંત લગી જાળવી રાખ્યા. એમના જન્મશતાબ્દી વર્ષમાં કુંદનલાલભાઇનું તૈલચિત્ર વિધાનસભામાં સ્થાન પામે એવી સમિતિ વતી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. રાજકીય અભ્યાસી એડવોકેટ હરેશભાઇ મહેતાએ કુંદનભાઇને સિદ્ધાંતપરસ્ત, મૂલ્યનિષ્ઠ, મક્કમ અને નક્કર રાજપુરુષ ગણાવ્યા હતા. નાગર જ્ઞાતિના પ્રમુખ અતુલભાઇ મહેતાએ તેમના જ્ઞાતિ-સમાજહિતના કાર્યો યાદ કર્યા હતા. નગરસેવિકા ગોદાવરીબેન ઠક્કર, નાગર મહિલા મંડળના પ્રમુખ?બંસરીબેન ધોળકિયા, નાગર મંડળના પૂર્વ પ્રમુખ હર્ષભાઇ  વૈદ્ય, સમિતિના સભ્ય અવિનાશભાઇ વૈદ્ય, ચંદ્રવદનભાઇ પટ્ટણી, પીયૂષભાઇ પટ્ટણી, નરસિંહભાઇ ઘોઘારી અને વિનોદભાઇ ગોર, દિવાકરભાઇ વોરા, અવનિશભાઇ વૈષ્ણવ, હેમાંગભાઇ પટ્ટણી અને અન્ય શહેરીજનોએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સત્યમ સંસ્થાના પ્રમુખ દર્શકભાઇ અંતાણી, હાટકેશ સેવા મંડળના સ્થાપક વિભાકરભાઇ?અંતાણી, મહિલા પાંખના ભૈરવીબેન વૈદ્ય હાજર રહી માનવતાવાદી કાર્યો કરી કુંદનભાઇને શ્રદ્ધાસુમન આપ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer