પૂર્વ કચ્છમાં વાહન ચોરી કરતો શખ્સ પોલીસે દબોચી લીધો

પૂર્વ કચ્છમાં વાહન ચોરી કરતો શખ્સ પોલીસે દબોચી લીધો
ગાંધીધામ, તા. 11 :પૂર્વ કચ્છમાં વાહન ચોરીના બનાવોને અંજામ આપી પોલીસને દોડતી કરી મૂકનારા એક શખ્સને એલ.સી.બી.એ દબોચી લીધો હતો. આ શખ્સ પાસેથી રૂા. 56,500ના ચાર વાહન જપ્ત કરવામાં આવ્યા હતા. મેઘપર બોરીચીમાં જીનસ કંપનીની સામે રહેનારા ઘનશ્યામપુરી ઉમેદપુરી ગોસ્વામી નામના શખ્સે વાહનોની ચોરી કરી છે અને તે આદિપુરમાં હોવાની પૂર્વ બાતમીના આધારે એલ.સી.બી.એ કાર્યવાહી કરી હતી. આદિપુરમાંથી આ શખ્સને ઉપાડી લઇ એલ.સી.બી.એ તેની કડક પૂછપરછ હાથ ધરી હતી. દરમ્યાન તે ભાંગી પડયો હતો અને પોતે કરેલી ચોરીની પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ શખ્સે અંજારમાંથી રિક્ષા, ગાંધીધામ, દુધઇ, આદિપુરમાંથી વાહનોની ચોરી કરી હતી. તેની પાસેથી ત્રણ બાઇક, એક મુસાફર રિક્ષા, રિક્ષાની ત્રણ બેટરી વગેરે મળીને કુલ રૂા. 56,500નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer